૧૮મે બાદ ધંધા-રોજગાર શરુ કરવા છૂટછાટ મળે તેવા પ્રદિપસિંહ જાડેજાના સંકેત

0

ગાંધીનગર,તા.૧૩
રિટેઈલ સેક્ટર સહિત ધંધા- રોજગાર શરૂ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ માંગણીઓ થઈ છે. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ હતી.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૮મી મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરતા આ છ દિવસ પછી કોરોનાની સ્થિતિને આધારે સરકાર ર્નિણય લેશે એમ કહ્યુ હતુ. રાજ્યમાં એપ્રિલ મહિનામાં પોઝિટીવિટી રેટ ૨.૦૬ ટકાથી વધીને ૮.૭૭ ટકાએ પહોંચ્યુ હતુ. જે હવે ૭.૬ ટકાએ આવ્યુ છે.
આ આંશિક ઘટાડા વચ્ચે ધંધા- રોજગાર પૂર્વવત કરવા સંદર્ભે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, કોરોનાનું સંક્રમણ અટકે તેના માટે દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્રે સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂક્યુ છે. ગુજરાતમાં વેપાર- ઉદ્યોગને અસર ન થાય અને કોવિડ-૧૯ના પ્રોટોકોલના પાલન સાથે જનજીવન રાબેતા મુજબ ચાલુ રહે અને સંક્રમણ અટકે તે માટે જરૂરી નિયંત્રણો સાથે આંશિક લોકડાઉન સાથે સરકારના પ્રયાસો રહ્યા છે.
વેપાર- ધંધા શરૂ કરવા નાના વેપારીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈને ૧૮મી મે બાદ જે તે જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવીને યોગ્ય ર્નિણય કરવામાં આવશે તેમ જણાવતા તેમણે ત્યાં સુધી ધીરજ રાખી કોરોનાનો ફેલાવો થતો રોકવા સરકાર અને નાગરીકોની પહેલને યોગદાન આપવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here