આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું નિવેદન
ગૌહાટી,તા.૧૧
દેશમાં અત્યારે જે મુદ્દાઓ ચર્ચામાં છે તેમાંથી એક મુદ્દો ‘લવ જેહાદ’નો પણ છે. કથિત લવ જેહાદની અનેક ઘટનાઓ બાદ લવ જેહાદના કાયદા પણ અલગ-અલગ રાજ્યોમાં લાવવામાં આવી રહ્યા છે. બીજેપી શાસિત આસામમાં પણ હવે લવ જેહાદ જેવો કાયદો લાવવામાં આવશે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે, આ કાયદો એવા લોકો પર નજર રાખશે જેઓ પોતાનો ધર્મ છૂપાવીને છોકરીઓ સાથે લગ્ન કરે છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે આ લવ જેહાદ કાયદો નહીં કહેવાય અને આ હિંદુ અને મુસ્લિમ બંને પર લાગુ થશે.
હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે, “આ કાયદો આવ્યા બાદ હિંદુ પુરુષ પણ પોતાની જાણકારી છૂપાવીને કોઈ હિંદુ મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. અમે આ કાયદા માટે કોઈ લવ જેહાદ શબ્દનો ઉપયોગ કરવા નથી ઇચ્છતા. અમારું માનવું છે કે હિંદુ પણ જૂઠ બોલીને લગ્ન ના કરી શકે. મુસ્લિમ દગાથી હિંદુ મહિલા સાથે લગ્ન કરે છે તો તે જ લવ જેહાદ નથી, મારા માટે તો એ પણ જેહાદ છે જ્યારે કોઈ હિંદુ આવું કરે છે. આ કાયદો જૂઠ બોલીને લગ્ન કરનારાઓને રોકશે.” તેમણે કહ્યું કે, “અમે અમારા મેનિફેસ્ટોમાં આનો વાયદો કર્યો હતો.” તેમણે કહ્યું કે, પહેલા અમે ગૌરક્ષા કાયદો લાવીશું. ત્યારબાદ ૨ બાળકોનો કાયદો લાગુ કરીશું, પછી અમે આ કાયદો લાવીશું.” લગ્નના સંબંધમાં કાયદો લાવવાની સાથે સાથે સરકાર સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ વિભાગ પણ બનાવશે. આનું ફોકસ એ વિસ્તારોમાં હશે જ્યાં મુસ્લિમ અપ્રવાસીઓની વસ્તી ઝડપથી વધી રહી છે. હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે, આ વિભાગ દ્વારા તમામ આસ્થાઓને માનનારાને ફાયદો થશે. તેમણે કહ્યું કે, અમારી આદિવાસી જનતાની પોતાની ભાષા અને માન્યતાઓ છે, પરંતુ અત્યાર સુધીની સરકારોએ તેમની સંસ્કૃતિ બચાવવા માટે ફાઇનાન્શિયલ મદદ નથી કરી. અમે તેમની સંસ્કૃતિ બચાવવા માટે તેમને સપોર્ટ કરવાનો ર્નિણય લીધો છે. સરકારે આ અંતર્ગત બોડો, ટી ટ્રાઇબ, મોરન, મોટોક, રાભા અને મિશિન સમુદાયોની ઓળખ કરી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૦ રાજ્યોમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન રોકવા માટેનો કાયદો છે. અત્યારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં આ માટે કાયદો છે.