ગાંધીનગર

હવેથી ગુજરાતમાં બહારથી આવતા સ્વસ્થ લોકોને RT-PCR ટેસ્ટ નહીં કરાવવો પડે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવનારા વ્યક્તિઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જે અનુસાર, ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડતો હતો, અને તે નેગેટિવ હોય તો જ ગુજરાતમાં એન્ટ્રી મળતી હતી.

એક દૈનિક અખબારના અહેવાલ અનુસાર, આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં RTPCR ટેસ્ટ અંગે કેટલાક સુધારા કરાયા છે. જે અનુસાર, જે વ્યક્તિનો રેપિડ કે RTPCR નેગેટિવ આવ્યો હોય તેમને ફરી ટેસ્ટ કરાવવાની જરુર નથી. આ ઉપરાંત, કોરોનાની ટ્રીટમેન્ટ બાદ સાજા થયેલા દર્દીને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતી વખતે ટેસ્ટ કરાવવાની જરુર નથી. તેમજ જો કોઈ વ્યક્તિને તાવ કે બીજા કોઈ લક્ષણો ના હોય તો તેને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે RTPCR કરાવવાની જરુર નથી. ICMR દ્વારા પણ થોડા સમય પહેલા રાજ્યોને ફરજિયાત RTPCRની જોગવાઈ દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેના દ્વારા જણાવાયું હતું કે આ નિયમને કારણે સ્વસ્થ વ્યક્તિઓ પણ ટેસ્ટ કરાવવા જાય છે, જેના કારણે પહેલાથી જ દબાણમાં રહેલી સિસ્ટમ પર વધુ બોજ પડે છે. ઘણા શહેરો અને જિલ્લામાં તો RTPCR ટેસ્ટનો રિપોર્ટ ચાર-પાંચ દિવસે મળતો હોવાથી આ નિયમનો કોઈ અર્થ જ નથી.

રાજ્યમાં બહારથી આવતા લોકો માટે RTPCR ફરજિયાત હતો ત્યારે પણ રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો પર તેને ચેક કરવામાં લાલિયાવાડી ચાલતી હોવાની ફરિયાદો પણ અનેકવાર મળી હતી. વળી, બાય રોડ આવતા લોકોને પણ આ નિયમ લાગુ પડતો હતો, પરંતુ તમામ લોકોના રિપોર્ટ ચેક કરવાનું કામ લગભગ અશક્ય હતું. આટલું ઓછું હોય તેમ ઘણા લોકો નકલી રિપોર્ટ પણ બનાવડાવી લેતા હતા. તેવામાં આ નિયમ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.

એરપોર્ટ પર પણ જે મુસાફરો RTPCR ટેસ્ટ કરાવ્યા વિના આવ્યા હોય તેમને ટર્મિનલ પર જ ઉભી કરવામાં આવેલી ટેસ્ટિંગ સેન્ટર પર ટેસ્ટ કરાવવો પડતો હતો, અને તેનો રિપોર્ટ ના આવી જાય ત્યાં સુધી બેસી રહેવું પડતું હતું. જેમાં 6 એક કલાક નીકળી જતા હોવાથી લોકો એરપોર્ટના સ્ટાફ સાથે માથાકૂટ કરતાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here