Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હઝરત ઇમામ હુસેન (ર.અ) અને તેમના 72 સાથીઓની શહાદત

અબરાર એહમદ અલવી
મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે, અને આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે, આ બાર મહિના પર આધારિત છે, ઇસ્લામી કેલેન્ડર દર વર્ષે સૂર્ય વર્ષ પર આધારિત કરતા 10 દિવસ ઓછા થતા હોય છે, ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ ,સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા. જ્યારે ઇસ્લામી હીજરીનો છેલ્લો મહિનો ઝીલ્ હજ્જ છે હઝરત ઇબ્રાહીમ અલૈહીસલામ અને આપના પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહીસલામની કુર્બાની માટે જાણીતો છે અને આ મહિનામાં જ ઇદ-ઉલ અઝહા આપની યાદમાં ઉજવવામાં આવે છે.

મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો પ્રથમ મહિનો છે, તેની શરૂઆત ઉમર બિન ખત્તાબ (ર.અ)ના ઝમાનામાં થઇ, હઝરતે ઉમરની સરદારી વખતે જ્યારે ઇસ્લામ ફેલાવવા લાગ્યો અને લોકો ઇસ્લામ કબૂલ કરવા લાગ્યા તો સિયાસતના કાર્યોમાં તારીખ લખવાની જરૂરત પડી, કેટલીક વખતે એવું થતું હતું કે હઝરત ઉમર તરફથી જે પત્ર મંત્રીઓને પહોંચાડતા અથવા મંત્રીઓ જે પત્ર હઝરતે ઉમર પાસે પહોંચાડતા તેના પર તારીખ લખેલી ન હતી, જેના કારણે મુશ્કેલી પડતી હતી. જેથી દરેક સહાબાને આ વસ્તુની જરૂરત પડી કે ઇસ્લામ દીન જે એક સંપૂર્ણ દીન છે, ઝબરજસ્ત માર્ગદર્શન અને તરીકો ઇસ્લામ બતાવે છે. ઇસ્લામની એક પોતાની તારીખ હોવી જ જોઇએ, જેની શરૂઆત કોઇ મહત્વ ધરાવતા ઇસ્લામી કિસ્સાથી કરવામાં આવે, અબૂ મૂસા અશઅરી ર.અ ખાસ કરીને બધાની નજર આ વસ્તુ તરફ કરાવી, છેવટે હઝરતે ઉમર (ર.અ) આ વાત દરેક સહાબા સમક્ષ મુકી દરેકે આ વાતને ખુબ પસંદ કરી. હઝરતે ઉમર (ર.અ) ને સહાબા પાસે રાય માંગી કે ઇસ્લામી તારીખની શરૂઆત ક્યાંથી કરવામાં આવે અને કેવા કિસ્સાથી કરવામાં આવે ? સહાબાઓએ પોતાની રાય આપી, છેવટે મોલા અલી મુશ્કીલ કુશા (ર.અ)ના માર્ગદર્શન મુજબ આ વાત નક્કી થઇ કે ઇસ્લામી તારીખની શરૂઆત હિજરતના કિસ્સાથી થવી જોઇએ, કારણકે હિજરતનો કિસ્સો ઇસ્લામ દીનમાં એક અલગ મહત્વ ધરાવે છે. આ એક તરફ મક્કામાં મુસલમાનોનું જીવનની યાદ અપાવે છે, જ્યાં મુસલમાનો પર અત્યાચાર કરવામાં આવ્યું હતું. ઇસ્લામ અપનાવી લેવાના કારણે તેમના પર ઝબરદસ્તી કરવામાં આવી, ઇસ્લામથી ફરી જવા માટે અંથક કોશીશો કરી, ઘણી પ્રકારની સજાઓ આપી, ધન છીનવી લીધું, મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઘન તથા હોદ્દાની લાલચ આપવામાં આવી, છેવટે મુસલમાનોએ રાત્રિના અંધકારમાં અત્યાચારીઓથી બચતા હબશહ અને મદીનહ તરફ હિજરત કરી. અત્યાચારીઓએ જ્યારે આ પરિસ્થિતી જોઇ તો આપ (સ.અ.વ.)ને કતલ કરવાનો ઇરાદો કર્યો, અને આ દુષ્કાર્ય કરવા માટે એક રાત્રે આપ (સ.અ.વ.)ના ઘરને ઘેરી લીધું, જેવા જ આપ (સ.અ.વ.) પોતાના ઘરેથી બહાર નીકળતાની સાથે જ આપ (સ.અ.વ.)ને મારી નાખવા માટે તૈયાર હતા, પરંતુ આપ (સ.અ.વ.) તે જ રાત્રે અલ્લાહના આદેશથી તેની દેખરેખ હેઠળ મદીનહ તરફ રવાના થયા, ઇસ્લામના શત્રુઓ પોતાની દરેક ચાલ રમતા પણ તેઓ આપ (સ.અ.વ.)ને પકડી ન શક્યા, અને ન તો વધતા ઇસ્લામની રોક માટે સફળ થયા, એવી જ રીતે મક્કાની આ અંધેરી રાત પછી મદીનહમાં ઇસ્લામના નવા ઝંડાની શરૂઆત થઇ, હિજરત પછી ફકત દસ વર્ષના ઓછા સમયગાળામાં ઇસ્લામ અરબ ટાપુથી નીકળી રોમ અને ઇરાનની સરહદો સુધી પહોંચી ગયો, હિજરતનો આ જ પ્રકાશિત દિવસ હતો જેના કારણે સહાબાઓએ ઇસ્લામી તારીખની શરૂઆત આ કિસ્સા પ્રમાણે રાખી, અને તેની શરૂઆત મુહર્રમ મહિનાથી કરી, હિજરતનો કિસ્સો રબીઉલ્ અવ્વલમાં થયો પરંતુ અરબના લોકો અરબી વર્ષનો મહિનો મુહર્રમને ગણે છે. એટલા માટે બે મહિના અને આઠ દિવસ પાછળ જઇ મુહર્રમથી ઇસ્લામી વર્ષની શરૂઆત થઇ. મુહર્રમ મહિનાના રોજાનો પણ ખુબ જ મહત્વ છે અબૂહુરૈરહ (ર.અ) કહે છે કે એક શખ્સ આપ (સ.અ.વ.) પાસે આવ્યો અને તેણે કહ્યું “ રમઝાનના રોઝા પછી સૌથી મહત્વના રોઝા કયા છે ? આપ (સ.અ.વ.)એ કહ્યું અલ્લાહના મહિનાના જેને તમે મુહર્રમ કહો છો. (સહી મુસ્લિમ : 1163/ ઇબ્ને માજા 1742 શબ્દો ઇબ્ને માજાના છે.) ઇમામ નવવી રહ, કહે છે આ હદીષમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રમઝાન પછી મુહર્રમના રોઝા સૌથી મહત્વના છે. (સહીહ મુસ્લિમ : 8/55)ઇમામ શૌકાની રહ. કહે છે કે આ હદીષથી જાણવા મળે છે નફીલ રોઝામાં સૌથી મહત્વના રોઝા મોહર્રમના છે. ( નૈલુલ્ અવતાર / 241/4)

કરબલા એટલે આજનો સીરિયા જ્યાં 1400 વર્ષ પહેલા યજિદ ઇસ્લામનો ખલીફા બન્યો. તે પોતાની સલ્તનત જુલ્મથી ફેલાવવા માંગતો હતો. યઝીદ માત્ર નામનો મુસ્લિમ હતો તેના અકીદા અને તેની રેહણી કરણી ઇસ્લામી શરીઅતની વિરુધ્ધમાં હતી જેના માટે મોટો પડકાર ઇમામ હુસેન(ર.અ) હતા. જેઓ ઇસ્લામને અનુસરનાર શરીઅતના કિલા સમાન અને ન્યાય પ્રીય રસુલલ્લાહના પ્યારા નવાસા (દોહિત્રી) હતા. જેઓ યજીદના વિરોધમાં હતા યજિદના અત્યાચાર વધવા લાગ્યા હતા અને કુફાથી આપને મદદ માટે પત્રો લખવામાં આવતા હતા અને આપને કુફા મદદ માટે આવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આવી સ્થિતિમાં હઝરત ઇમામ હુસેન આપના પરિવાર અને સાથીદારો સાથે, મદિનાથી ઇરાકના કુફા શહેર તરફ જવાનું સફર શરૂ કર્યું, પરંતુ માર્ગમાં યજિદની સેનાએ ઇમામ હુસેન(ર.અ)ના કાફલાને કરબલાના રણ પર રોક્યો હતો. તે 2 મુહર્રમનો દિવસ હતો, જ્યારે ઇમામ હુસેન (ર.અ)નો કાફલો કરબલાના ગરમ રણમાં રોકાયો હતો. ત્યાં પાણીનો એકમાત્ર સ્રોત નેહરે ફુરાત હતી, જેના પર યઝીદની સેનાએ ઇમામ હુસેનના કાફલા માટે પાણી માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ હોવા છતાં, ઇમામ હુસેન નમ્યા નહીં. યજિદના પ્રતિનિધિઓ દ્વારા ઇમામ હુસેનને નમાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો અને અંતે યુદ્ધની ઘોષણા થઈ. ઇતિહાસ કહે છે કે ઇમામ હુસેન (ર.અ)ના કાફલામાં 72 લોકો હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા જે યઝીદી સેનાના 80,000 લોકો સામ સામે લડ્યા હતા.

ઇમામ હુસેન(ર.અ) જંગ લડવા માટે ન આવ્યા હતા જો જંગ લડવા આવ્યાં હોત તો મોટી સેનાને લઇને આવ્યાં હોત. ઇતિહાસ સાક્ષી પુરે છે કે ઇમામ હુસેન (ર.અ) માત્ર 72 લોકો સાથે આવ્યાં હતા. આ 72 લોકો પણ ઇમામ હુસેન (ર.અ)ના પરિવાર જનોમાંથી હતા. હઝરત ઇમામ હુસેન (ર.અ) યુદ્ધ લડવા ક્યાં આવ્યા હતા? તેઓ તો અલ્લાહના રસ્તે બલિદાન આપવા આવ્યા હતા. તેમણે અને તેમના પરિજનોએ તૃષ્ણા, દુખ, ભૂખ અને પરેશાનીઓ સહન કરીને ઇસ્લીમયત માટે પોતાના પરિવારની કુરબાની આપી. પાણી માટે ઇમામ હુસેન મોહતાજ ન હતા ઉલ્માઓનું કેહવું છે કે જો માત્ર ઇમામ હુસેન ઇશારો કરતા તો વાદળો વરસી પડતા પરંતુ ઇમામ હુસેને તમામ તકલીફો સહન કરીને શહાદત વ્હોરી. મેદાને કરબલામાં પણ ઇમામ હુસેનનો કોઇ પણ યઝીદી મુકાબલો કરી શકયા ના હતા. આપ એકલા યઝીદી સેના પર ભારે પડતા હતા. આપ તરસ્યા જરૂર હતા પરંતુ ઇસ્લામ માટેનો જઝબો એવો હતો કે આપની સામે 80,000 યઝીદીઓ ટકી શકતા ના હતા. ભુખ્યા તરસ્યા હોવા છતાં પરિવારજનોને ખોવાનો ગમ હોવા છતા આપ નમાઝ પ્રત્યેની આપની ફરજ નીભાવી હતી. છેવટે જ્યારે ઈમામ હુસેન (ર.અ) અસરની નમાઝ દરમિયાન નમાજ પઢતા હતા ત્યારે એક યઝીદીએ વિચાર્યું કે કદાચ હુસેન(ર.અ)ને શહીદ કરવાનો આ યોગ્ય સમય છે. કારણકે આપની સામે કોઇ યઝીદી ટકી શકતો ન હતો આપ જ્યારે નમાઝ પઢી રહ્યા હતા ત્યારે આપ પર યઝીદીઓએ તીર વરસાવ્યા અને આપ જ્યારે નમાજની હાલતમાં સજદામાં ગયા ત્યારે ઇમામ હુસેન(ર.અ)ને શહીદ કર્યા. ઇમામ હુસેને(ર.અ) શહીદી વ્હોરીને પણ જીવી ગયા અને જીતી ગયા અને કાયમ માટે અમર બની ગયા. પરંતુ યજિદ જીત્યા પછી પણ હાર્યો હતો.

ખ્વાજા મોઇનોઉદ્દીન ચીશ્તી(ર.હ) હઝરત ઇમામ હુસેન (ર.અ) અંગે ફરમાવ્યું
“शाह अस्त हुसैन, बादशाह अस्त हुसैन
दीन अस्त हुसैन, दीने-पनाह हुसैन
सरदाद न दाद दस्त, दर दस्ते-यज़ीद
हक़्क़ा के बिना, लाइलाह अस्त हुसैन ”

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *