આ અંગે આસિસ્ટન્ટ એન્જિનિયરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેરને ‘તું મને ઓળખતો નથી, હું તારી નોકરી ખાઈ જઈશ, ACBમાં ફરિયાદ કરી ફસાવી દઈશ’ તેમ કહી એક લાઇસન્સ પ્લમ્બરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આસિસ્ટન્ટ એન્જિનિયરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ, સુરતમાં રહેતા રમીજ રાજા મહમંદ યાસ્મીન મુનશી ઉધના ખાતે મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન શહેરી વિકાસ વિભાગમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. 1 તારીખના રોજ તેઓ ઓફિસમાં હતા ત્યારે મહાનગર પાલિકાના લાઇસન્સ પ્લમ્બર અસરફખાન પઠાણે આવીને ધમકી આપી હતી. અસરફખાને કહ્યું હતું કે, મારું કામ કેમ કરતા નથી. તું મને ઓળખતો નથી, હું તારી નોકરી ખાઈ જઈશ. ACBમાં ફરિયાદ કરીને ફસાવી દઈશ.
‘બહાર મળશે તો હાથ-પગ તોડી નાખીશ’
આ સાથે અસરફ ખાને ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો અને ધમકી આપી હતી કે, અત્યારે તો બચી ગયો છે, ઓફીસની બહાર મળશે ત્યારે હાથ-પગ તોડી નાખીશ તને જીવતો નહીં રહેવા દઉં. આ મામલે આસિસ્ટન્ટ ઈજનેર રમીજરાજાએ ઉધના પોલીસ સ્ટેશનમાં લાઇસન્સ પ્લમ્બર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ લાઇસન્સ પ્લમ્બર અફસરખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.