સુરતમાં વધુ એક વખત હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે. વરાછામાં ફરસાણના વેપારીને ફસાવી ૧૦ હજાર પડાવ્યા બાદ વધુ ૫૦ હજારની માંગ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે મહિલા સહિતની ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત,
સુરતના વરાછા મીની બજાર નજીક ફરસાણની દુકાન ધરાવતા વેપારીને મોબાઈલ પર પખવાડિયા અગાઉ વોટ્સએપ પર એક મહિલાએ મેસેજ કર્યો હતો. વેપારીએ નામ પૂછતા મહિલાએ પોતાનું નામ ખુશ્બુ કહ્યું હતું. જો કે વેપારી ઓળખતા ના હોય મેસેજ પર વાત કરવાની ના કહી દીધી હતી. જો કે ખુશ્બુએ હું તમને ઓળખું છું કહી વોટ્સએપ પર કોલ કરી વાત કરતી હતી. આ દરમ્યાન બે દિવસ પહેલા ખુશ્બુએ કોલ કરી નાસ્તો લઈને ડભોલી શાક માર્કેટ મનીષ નગર પાસે બોલાવ્યા હતા. જ્યાં વેપારી નાસ્તો આપવા જતા તેઓને ફ્લેટની અંદર લઇ ગયી હતી જ્યાં અગાઉથી બે મહિલાઓ હાજર હતી. વેપારીએ અંદર જવાનો ઇનકાર કર્યો હતો પરંતુ મહિલાએ કઈ નહી થાય ચાલો તેમ કહી તેના ખભા પર હાથ મુકીને રૂમની અંદર લઇ ગયી હતી અને રૂમની અંદર લઈને શારીરિક અડપલા કરવા લાગી હતી.
આ દરમ્યાન રૂમની અંદર બે ઈસમો આવી પહોચ્યા હતા અને બે પૈકિના એક ઇસમેં આ મારી પત્ની છે. મને શક હતો કે હું હીરાની નોકરી પર જાઉં ત્યારે આવું કામ કરે છે. જયારે બીજા ઇસમેં મહિલાના ભાઈ તરીકે ઓળખ આપી હતી અને બાદમાં વેપારીને માર મારી સમાધાન કરો નહી તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. બાદમાં તેઓની પાસેથી ૧૦ હજાર પડાવ્યા બાદ વધુ ૫૦ હજારની માંગ કરી હતી.
ત્યારબાદ વેપારીએ તેના મિત્રને બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી અને બાદમાં આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી છે. તેમણે અગાઉ પણ આવી રીતે પૈસા પડાવ્યા હોવાની વિગતો સાંપડી છે.