પોલીસની ગાડીનું સાયરન વાગતા સાયરનનો અવાજ સાંભળી પોલીસ પકડી લેશે તેવા ડરથી આરોપી ચોરી કરવાનું પડતું મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો

પીસીઆર મોબાઇલ વાનોને રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનુ સાયરન થોડા થોડા અંતરે વગાડવા સુચના આપવામાં આવી હતી.

સુરત,

આજકાલ રાજ્યમાં ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા એલ.એચ. રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી (HDFC) બેંકના એટીએમમાં ઘુસેલા યુવાને એટીએમની તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એક સગીર તેમજ એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વરાછાના એલ.એચ. રોડ પર આવેલ અર્ચના સ્કૂલ નજીક વરૂણ કોમ્પ્લેક્ષની દુકાનમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં રાત્રે ચોર ત્રાટક્યો હતો. રાત્રે 2:24 કલાકે હાથમાં કોઇક સાધન લઇ ઘુસી ગયો હતો અને એટીએમની તોડફોડ કરી હતી. જેમાં એટીએમનું અપરલોક, લીપ કેશ એક્ઝીટ, લોઅર લોક, સેફ ડ્રોઅર લોકને તોડી અંદાજે 50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

HDFC બેંકના ATMમાં મહારાષ્ટ્ર બેંકના સર્વર રૂમમાં ચોરીની જાણ થઈ હતી. ત્યાંથી ચોરીના પ્રયાસ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી ઘટનાની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી. જેથી વરાછા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો.

આ મામલે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ એક બાળ કિશોર તેમજ આરોપી આત્મારામ ગોરખભાઇ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે આરોપી દ્વારા એટીએમમાં ચોરીની કોશિશ કરવામાં આવી ત્યારે તેમાં 31 લાખની રોકડ પડી હોવાનું સામે આવ્યું છે. જોકે, સદનસીબે અહી મોટી ચોરી થતા રહી ગયી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી દરમિયાન ચોરીની ઘટનાઓ ન બને તેવો આદેશ આપવામાં આવ્યો હતો કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ પીસીઆર મોબાઇલ વાનોને રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનુ સાયરન થોડા થોડા અંતરે વગાડવા સુચના આપવામાં આવી હતી.

આ દરમિયાન, પોલીસની ગાડીનું સાયરન વાગતા સાયરનનો અવાજ સાંભળી પોલીસ પકડી લેશે તેવા ડરથી આરોપી ચોરી કરવાનું પડતું મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મહારાષ્ટ્ર ખાતેના HDFC બેંકની હેમા ટેક્નોલોજી પ્રા.લી. કંપનીના કંટ્રોલરૂમમાંથી મીલનભાઇ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને વરાછા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here