અમદાવાદ,૨૦
અમદાવાદમા મહિલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ને ગોતા વિસ્તારમાં રહેતી પરીણિતાનો ફોન આવ્યો હતો. પરીણિતાએ હેલ્પલાઈનને જણાવ્યું હતું કે, મારા પતિએ મારી સગી નાની બહેન સાથે લગ્ન કરી લીધાં છે. આ ફોન બાદ હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે પરીણિતાનો પહેલો પતિ ખૂબ જ દારુ પીતો હોવાથી તેની સાથે છુટાછેડા લઈ લીધા હતાં. બાદમાં તેણે બીજા વ્યક્તિ સાથે કોર્ટમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પરિણીતાએ પોતાની નાની બહેનની ઓળખાણ પતિ સાથે કરાવી હતી. બંને વચ્ચે હસી મજાક થતાં હતાં. આપણા સમાજમાં જીજાજી અને સાળીના સંબંધો હસી મજાકના હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે બંને એકબીજા સાથે લગ્ન કરી લે અથવા તો પોતાના સંબંધોને સમાજથી છુપાવીને રાખતા હોય છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પરીણિતાએ પોતાના બીજા લગ્ન બાદ પતિની ઓળખાણ પોતાની સગી નાની બહેન સાથે કરાવી હતી. લગ્નના બરાબર એક વર્ષ બાદ ખબર પડી કે તેના પતિએ નાની બહેન સાથે જ લગ્ન કરી લીધાં છે. બંને જણા અલગ રહેવા પણ જતાં રહ્યાં છે. જેથી પરીણિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યા હતાં પણ તેઓ માન્યા ન હતાં. આખરે મામલો સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

પરીણિતાને મનમાં એમ હતું કે સાળી અને જીજાજીના સંબંધમા હસી મજાક તો થતી રહેતી હોય છે. પરંતુ આ મજાક મસ્તી ક્યારેક નવા સંબંધમાં પણ પરિણમી શકે છે એવી તેને ખબર નહોતી. તેને પોતાના લગ્નના એક વર્ષ પછી ખબર પડી કે તેના પતિએ સગી સાળી સાથે લગ્ન કરી લીધાં છે અને બંને જણા અમદાવાદમાં અમરાઈવાડીમાં રહે છે. પતિ પરીણિતાને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો. આ હેરાનગતિ દરમિયાન બંને વચ્ચેના સંબંધોમાં ખૂબ જ તણાવ પેદા થયો હતો.

પત્નીની જાણ બહાર જ આવી રીતે લગ્ન કરી લેતાં હેલ્પલાઈનની ટીમે બંને જણાને સમજાવવાનો પ્રયત્નો કર્યો હતો. પરંતુ બંને જણા એકબીજાથી અલગ થવા તૈયાર નહોતા થયાં. પરીણિતાએ હેલ્પલાઈનની ટીમની હાજરીમાં પતિ પાસે છુટા છેડા અને ભરણપોષણ આપવાની માંગ કરી હતી. પરંતુ તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં હેલ્પલાઈનની ટીમે બંને જણાને સોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here