સગી મામીએ સગીર ભાણીને ભાઇ સાથે સંબંધ બાંધવા દબાણ કરતા ચકચાર મચી

0


નરોડા,
શહેરના નરોડા વિસ્તારમાં સગી મામીએ તેની સગીર વયની ભાણીને પોતાના ભાઈ સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. મામીએ છોકરા રમાડવા ઘરે લેવા આવેલી સગીરાને પોતાની બહેનના ઘરે મોકલી હતી અને ત્યાં હાજર યુવકે તથા તમામ લોકોએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી સગીરાએ તેની માતાને જાણ કરતાં તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં સગીરાની મામી, તેનાં બહેન-બનેવી અને ભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. સગીરાની મામી નજીકમાં જ આવેલા ફ્લેટમાં રહે છે. ચાર દિવસ પહેલાં સગીરાની માતાને તેમના ભાભીએ ફોન કરી કહ્યું હતું કે મારા છોકરા તમારા ઘરે રમવા આવવા માગે છે, જેથી તેમને લઈ જાઓ. તેઓ કામમાં હોવાથી સગીરાને છોકરાઓ લેવા માટે મોકલી હતી. છોકરાઓને લઈને આવતાં ઘણીવાર લાગી હતી. જેથી ઘરે પહોંચતાં જ માતાએ પૂછ્યું હતું કે કેમ આટલું મોડું થયું? જેથી સગીરાએ જણાવ્યું હતું કે મામીએ મને કહ્યું કે તું મારી બહેનના ઘરે જા, ત્યાં મારો ભાઈ હાજર છે અને તું તેની સાથે બોલચાલના સંબંધ રાખ, જેથી મેં ઘરે કામ છે અને તમારી બહેનના ઘરે નહીં જાઉં કહ્યું હતું. તું ઘરે નહિ જાય તો તારાં માતા-પિતાને મારી નાખીશ એવી ધમકી તેમણે આપી હતી.

ધમકીથી ડરી જતાં મામીના કહેવા મુજબ તેમની બહેનના ઘરે ગઈ હતી, જ્યાં મામીની બહેન, તેના પતિ અને ભાઈ હાજર હતાં. તમામ લોકોએ ભેગા મળી સંબંધ રાખવા ધમકી આપી હતી કે જાે તું સંબંધ નહિ રાખે તો તારા પરિવારને જાનથી મારી નાખીશું. જેથી સગીરા ત્યાંથી મામીના ત્યાં જઈ બાળકોને રમવા માટે પોતાના ઘરે લઈ ગઈ હતી. સગીરાએ માતાને હકીકત જણાવતાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here