(હર્ષદ કામદાર)
કોરોનાએ વિશ્વભરના દેશોના અર્થતંત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. ભારતમા તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ આમ લોકો અનુભવી રહ્યા છે. દેશમાં અનલોકમાં અનેક ક્ષેત્રના ધંધા, વ્યાપાર, ઉદ્યોગો વગેરેમા ભારે છૂટછાટો આપી દેવામાં આવી છે. પરંતુ દરેક ક્ષેત્રના બજારો ઝોલા ખાઈ રહ્યા છે. કોરોના મહામારીએ વ્યાપાર, ધંધા, નોકરી પર તરાપ મારી છે. દેશની આમ પ્રજા સ્વાસ્થ્ય સેવાઓ અને સરકાર તરફ યાચના ભરી નજરે જાેઈ રહી છે. ભારતની આર્થિક સ્થિતિ નબળી હતી તેમાં કોરોનાને કારણે આવેલા લોકડાઉન, કફ્ર્યું કે પ્રતિબંધનાત્મક પગલાઓને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. ત્યારે વિશ્વના દેશો કોરોનાના કારણે થયેલા નુકસાન બાબતે લેખાં જાેખા કરવા લાગ્યા છે તેમાં પણ દરેક દેશો પોતાની રીતે વર્તમાન સાથે તોલ કરી રહ્યા છે અને આ બધું છતા ત્રાજવાના બંને પલ્લા ખાલી રહે છે. આ બધી બાબતો વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ત્રાટવાની સંભવિત ચેતવણીઓને કારણે આમ પ્રજા પરેશાન છે અને લોકોના ચહેરા પર તણાવ દેખાઈ આવે છે. બીજી તરફ શેરબજારમાં તેજીના વાયરા ફૂંકાઈ રહ્યા છે… તે સાથે મોટા બજારો આંશિક સુધારા સાથે આગળ વધી રહ્યા છે. પરંતુ દેશમાં આર્થિક મંદી ફરી વળી છે જેની તમામ પ્રકારના વ્યાપાર બજારો પર અસર થઈ છે. સામાન્ય નાગરિકો માટે પરિવારની ટોટલી આવકનું એડજસ્ટ કરવું તે મોટો કોયડો છે. જેના કારણે તમામ બજારો પર અસર થઇ છે. અનેક છૂટછાટો મળ્યા બાદ રોજગારની વિટંબણા વધી પડી છે, તો ખાનગી નોકરી કરનારાઓના પગાર કાપ ચાલી રહ્યા છે અને મજબૂરીથી ઓછા પગારે કામ કરવું પડે છે…. જે કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે. દેશના તમામ પ્રકારના બજારોએ અગાઉના જેવી રોનક ગુમાવી દીધી છે…જાેકે ખેતી પ્રધાન દેશ ભારતમાં કૃષિક્ષેત્રે પોતાના ઉત્પાદનો બજારમાં આવતા અગાઉ જેવી મંદીના સ્થાને વેપાર- ધંધા થોડા સમય માટે ધમધમતા થયા હતા પરંતુ કૃષિ આવકો બંધ થતા પાછા હતા ત્યાંના ત્યાં… છતા મંદી સમયમાં રાહત મળી…..દેશભરમાં તમામ બજારો ખુલવા છતાં ખરીદારોની મોટી અછત સર્જાયેલી જાેવા મળે છે…..!
દેશમાં સામાન્ય લોકોમાં બચતનું મહત્વ પરંપરાથી રહ્યું છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી બચતનું સ્તર ઘણું જ ઓછું થયું છે, લોકોની અગાઉની બચતો લગભગ તળિયે પહોંચી ગઈ છે કે સાફ થઈ ગઈ છે. જ્યારે કે હવેના સમયમા બચત કરવી સરળ નથી. દેશમાં સૌથી વધુ બચત કરનારાઓમા મધ્યમ વર્ગ અગ્રસ્થાને રહ્યો છે… પરંતુ હવે મધ્યમ વર્ગના પરિવારો માટે બચત કરવી એક સપનું બની ગયું છે. મતલબ લોકોની બચત શક્તિ ઘટે અને આ કારણે બજારોમા મંદીનો માહોલ શરૂ થાય….પરંતુ નોટબંધીથી શરુ થયેલી મંદી કોરોનાએ તળીયા તરફ પહોંચાડી દીધી છે….! આ બધી બાબતો વચ્ચે કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ભરપુર રોજગારી મળી જાય, તો દેશના અર્થતંત્રમાં પણ વણ નોધેલ ટેકા રૂપ બની રહે છે ત્યારે જાે કૃષિ ક્ષેત્ર, મધ્યમ વર્ગ, મજૂર વર્ગ અને ગરીબ વર્ગને રોજગારી મળી રહે તો વિશ્વ ભરના દેશોમા ભારત મંદીને પચાવી જવાની ક્ષમતા ધરાવે છે. તે સાથે ભારતનુ અર્થતંત્ર મંદીને મહાત આપી દોડતું થવામા વધુ સમય પસાર નહીં કરે તે વાત ભારતનો પૂર્વ ઇતિહાસ જાેઈને સ્વીકારવી રહી…..!