શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

0

(અબરાર એહમદ અલ્વી)

ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે : શિક્ષણ મંત્રી

ગાંધીનગર,

ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થીએ જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ નિર્ણાયક સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગ સંલગ્ન અનેક નિર્ણયો લીધા છે ત્યારે આજે વધુ એક વિદ્યાર્થી હિતલક્ષી અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી શિક્ષણ મંત્રી શ્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ બી-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.

મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યું કે, આજથી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઇ ગયું છે ત્યારે ધોરણ-૧૦ના ગણિત બેઝિકના વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની જોગવાઈ મુજબ જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦માં ગણિત બેઝિક રાખ્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા જેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટેનો નવો વળાંક મળશે. એટલું જ નહીં, ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિદ્યાર્થી ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here