સગીરાને મિત્રતા ભારે પડી
અમદાવાદ,
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. સગીરાએ યુવક સાથે વીડિયો ચેટ કરવા લાગી પણ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ થયું અને એ તેના મિત્રએ જ કર્યું હતું. આ વીડિયો ચેટના આધારે યુવક સગીરાને બ્લેકમેલ કરવા લાગ્યો અને સગીરાને બોલાવીને તેની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ બાદમાં સગીરાના કાકાને થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલમાં આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.

કૃષ્ણનગરમાં રહેતા ૫૪ વર્ષીય આધેડ નિવૃત જીવન ગુજારે છે. તેઓના પરિવારમાં મોટા ભાઈ, એક પુત્ર, પત્ની અને સગીર પુત્રી છે. તેઓને તેમના મોટાભાઈએ જાણ કરી કે ગઈકાલે તેમને વોટ્‌સએપ પર કોઈ નંબર પરથી જેમ ફાવે તેમ અપશબ્દો લખી મેસેજ કર્યો હતો. મેસેજ કરનાર કોણ છે તેવું પૂછતાં આ વ્યક્તિએ ભત્રીજીને પૂછી લેજાે તેમ લખી મેસેજ કર્યો હતો. બાદમાં તપાસ કરતા ફરિયાદીના પુત્રએ કોલ કરતા આ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં ભત્રીજા પાસે ફોન કરાવતા ભત્રીજાએ કેમ ગાળો લખી મેસેજ કર્યો તેવું પૂછતાં સામે વાળી વ્યક્તિએ ગાળો ભાંડી ફોન મૂકી દીધો હતો. બાદમાં પોલીસને જાણ કરતા ફરિયાદી અને ફોન મેસેજ કરનાર છોકરાને પોલીસ લઈ આવી હતી. આ છોકરાના ફોનમાં તપાસ કરતા સગીરા સાથે કરેલા વીડિયો કોલનું લિસ્ટ મળી આવ્યું હતું અને વીડિયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા.

સગીરાને પરિવારજનોએ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે વર્ષ ૨૦૨૦માં ઇન્સ્ટાગ્રામ મારફતે આ છોકરાના સંપર્કમાં આવી હતી. બાદમાં એકબીજાને ફોન નંબરની આપ-લે કરી બંને વીડિયો કોલથી વાત કરતા અને આ છોકરાએ તે વીડિયો કોલનો સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી. અને પરિવારજનોને બતાવી વાયરલ કરવાની ધમકી આપી નિકોલ ખાતે આવેલી રોયલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ મનાઈ કરી તો તેના મા-બાપને મારી નાખવાની ધમકી આ છોકરો આપવા લાગ્યો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ આ છોકરો સગીરાને આ જ હોટલમાં લઈ ગયો હતો. માર્ચ મહિનામાં સગીરાએ હોટલમાં જવાની ના પાડી તો આ છોકરાએ તેને હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધેલા હોવાના વીડિયો તેની પાસે છે અને તે વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હોવાથી સગીરા હોટલમાં ગઈ હતી. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા છોકરાએ ત્રણવાર હોટલમાં સગીરાને લઈ જઈ બ્લેકમેલ કરી ધમકીઓ આપી અને બળાત્કાર ગુજારી સગીરાના કાકાને બીભત્સ શબ્દો લખી મેસેજ કરી ધમકીઓ આપતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here