વાલીઓ માટે રાહતના સમાચાર, આ વર્ષે પણ શાળાની ફીમાં 25 ટકા માફીનો લાભ

0

અમદાવાદ,

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક રાહત આપતી જાહેરાત કરી છે. વાલીઓને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફીની રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી 25 ટકા ફી માફીની રાહત યથાવત રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા સલાહ આપવામાં આવી છે કે જે વાલીઓ એક સાથે ફી ન ભરી શકે તેવા વાલીઓને શાળા સંચાલકોએ બોલાવીને હપ્તા કરી આપવા જોઈએ. વાલીઓ માટે આ ચોક્કસપણે રાહતના સમાચાર છે, પરંતુ સરકારની આ જાહેરાત પછી ખાનગી શાળા સંચાલક મંડળે વિરોધ વ્યક્ત કર્યો છે. ખાનગી શાળાના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સરકાર ચાલુ વર્ષ માટે જો આ પ્રકારનું જાહેરનામું બહાર પાડશે તો કાયદાકીય લડત કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોનાને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યું છે. આ કારણે ગયા વર્ષે વાલીઓએ ફીમાં રાહત આપવાની માંગ કરી હતી અને સરકાર દ્વારા 25 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા શાળાઓને પણ ફી વધારો ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે પણ કોરોનાને કારણે સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે વાલીઓએ 50 ટકા ફી માફીની જાહેરાત કરવાની રજુઆત રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. આ રજુઆતને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, 25 ટકા ફી માફીની અગાઉ જે જાહેરાત કરવામાં આવી હતી તેનો અમલ હાલમાં પણ ચાલુ રહેશે અને સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી રાહત ચાલુ રહેશે.

ખાનગી શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂએ જણાવ્યુ હતું કે, ખાનગી શાળા સંચાલક મંડળની કોર કમિટીની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા પછી મંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણમંત્રીના નિવેદન સાથે ખાનગી શાળાઓ સહમત નથી. ગત વર્ષે જે 25 ટકા ફીની રાહત આપવામાં આવી હતી તેના કારણે સ્કૂલોની આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઈ છે. સરકાર ચાલુ વર્ષે પણ આવી કોઈ બાબતમાં જાહેરનામું બહાર પાડશે તો ખાનગી શાળા સંચાલક મંડળ કાયદાકીય લડત લડવા મજબૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here