લવ યુ ફ્રેન્ડસ, ગુડ બાય મોમ-ડેડ કહી યુવકે મોતની છલાંગ લગાવી

0

મહેસાણા,તા.૨૬
આપઘાતની એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. જાે કે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું. કિનારે ઉભેલા કેટલાક લોકોએ તરવૈયાના અભાવે પોતાનો જીવ જાેખમમાં મૂક્યો નહોતો. આપઘાતનો આ લાઇવ વીડિયો ઉત્તર ગુજરાતમાં ખૂબ ફેલાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો પર દુખ ઠાલવી રહ્યા છે.

બનાવની વિગતો એવી છે કે ગઈકાલે મોઢેરા કેનાલમાં ચાણસ્માના ગંગેટના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જાે કે, આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. યુવકને તરફડિયા મારતા જાેઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો. યુવકે વીડિયોમાં કહ્યું, ‘મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ યુ ફ્રેન્ડ્‌સ, મોમ ડેડ બાય બાય….’

આ યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જાેઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જાેકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આમ એક કથિત માનસિક બીમારીએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here