સુરત,તા.૨૫
કોરોના મહામારીમાં લાખો લોકોની સંખ્યામાં લોકો બીમાર છે. તેમની સારવાર માટે ડોક્ટરો અને નર્સની ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. આ ફ્રન્ટલાઈન વોરિયર્સ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તેની કોઈને ખબર હોતી નથી. સુરતમાં એક નર્સ ૪ મહિનાથી પ્રેગનેન્ટ છે. તેમજ તેઓ રોજ રોજા રાખે છે. આવી સ્થિતિમાં તેઓ કોરોનાના દર્દી વચ્ચે ડ્યુટી બજાવે છે.
સુરતના કોવિડ કેર સેન્ટરમાં નર્સ નેન્સી આયેશા મિસ્ત્રી હાલ કોરોનાના દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે. જ્યારે કે તેઓ ખુદ ૪ મહિનાથી પ્રેગનેન્ટ છે, સાથે જ રમઝાન માસ ચાલતી હોવાથી તેઓ રોજ રોજા પણ રાખે છે. પોતાની આ ડ્યુટી વિશે તેઓ કહે છે કે, હુ મારી નર્સની ડ્યુટી કરી રહી છું. હું લોકોની સેવા કરવાને જ સાચી ઈબાદત માનું છું. કોરોનાની શરૂઆતથી જ હું ફરજ બજાવુ છે. ડર નથી લાગતો, દર્દીઓની સંભાળ રાખીને જે દુઆ મળે છે તે મારા અને મારા દીકરા માટે સારું છે.
૨૯ વર્ષની આ નર્સ અલથાણાના કોવિડ સેન્ટરમાં સતત ૮ થી ૧૦ કલાક કામગીરી કરે છે. તેઓ આવામાં ઘર અને હોસ્પિટલ બંનેની બેવડી જવાબદારી નિભાવે છે. અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવે છે.