(યુસુફ એ શેખ)

રણમાં મીઠી વીરડી સમાન કોમી એખલાસની પ્રેરક ગાથા

અમદાવાદ, તા.૨૬
આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાળા-ગોરા, ગરીબ-તવંગર, ઉંચ-નીચ તથા વિભિન્ન ધર્મોના લોકો વચ્ચે નફરત અને વેરઝેરનું પ્રદુષણ એની ચરમસીમા પર જાેવા મળી રહ્યું છે. ત્યારે બે વિભિન્ન ધર્મમાં માનનારા લોકો ત્રણ પેઢીથી સંપ, ભાઇચારા તથા વિશ્વાસનાં સંબંધોથી જાેડાયેલા હોવાનું જાણવા મળે તો એને રણમાં મીઠી વીરડી સમાન ઘટના તરીકે મૂલવવામાં કોઇ જ અતિશ્યોકિત નથી. આ પ્રેરણારૂપ સંબંધો કેન્દ્રમાં અમદાવાદનાં ઢાલગરવાડ વિસ્તારમાં આવેલી રાજનગર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા હિંદુ અને મુસ્લિમ વેપારીની ત્રણ પેઢીઓના સંસ્કારમાં કોમી એખલાસ રહેલો છે.
આજથી છ-સાડા છ દાયકા અગાઉ રાજનગર શાક માર્કેટમાં નરેશભાઇ મોરજીભાઇ પટેલ તથા શરીફભાઇ શેખનાં પૂર્વજાેએ પાસ પાસે શાકભાજીનો વેપાર શરૂ કર્યો હતો. આ બંને પરીવારના પૂર્વજાેએ સાથે શાકભાજીનો વેપાર શરૂ કર્યો હતો જે આજે ત્રીજી પેઢીના તેમના વારસો સંપીને – ભાઇચારથી કરી રહ્યા છે. આ બંને વેપારીઓની દુકાન, ગોડાઉન તથા ઓટલા એકબીજાને અડીને આવેલા છે. છેલ્લી ત્રણ પેઢીથી તેઓ આ જગ્યાએ વેપાર કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન તેમના સંબંધોમાં તેમની મિત્રતામાં અને તેમની વચ્ચે પ્રવર્તતા વિશ્વાસમાં કયારેય ચોટ આવી નથી. છેલ્લા ૬૭ વર્ષથી કોઇપણ જાતના ભૌગોલિક પરિવર્તન વગર એક જ જગ્યાએ શાકભાજીનો ધંધો કરતા આવેલા પટેલ પરીવારના નરેશભાઇ મોરજીભાઇ તથા શેખ પરીવારના તૌસીફ શરીફભાઇ એ જ વિશ્વાસ અને એખલાસથી એ ધંધો આગળ વધારી રહ્યા છે.
રાજનગર માર્કેટના વેપારી પટેલ પરીવારના નરેશભાઇના પિતા તથા શરીફભઆઇ શેખના વિતાએ એક સાથે આ જગ્યાએ શાકભાજીનો વેપાર શરૂ કર્યો હતો. નરેશભાઇનાં પિતાએ શરૂ કરેલી શાકભાજીના વેપારીની આ પેઢીમાં પાછળથી એમના દિકરા તથા પૌત્ર પણ જાેડાયા હતાં જ્યારે મર્હુમ શરીફબાઇ શેખના ભાઇઓ તથા પુત્રો આ પેઢીમાં જાેડાયા હતા. આજે નરેશભાઇ પટેલ તથા તૌસીફભાઇ શેખ એમના પૂર્વજોએ સ્થાપિત કરેલા સંબંધો અને વેપારને આગળ વધારી રહ્યા છે. આજે પણ આ બંને વેપારીઓએ પોતપોતાના પરીવારોએ વિકસાવેલી પરંપરાને નિર્વિધ્ને આગળ ધપાવી રહ્યા છે.

આ બંને વેપારીઓ નરેશભાઇ તથા તૌસીફભાઇ “સફીરને” આપેલી માહિતી મુજબ રાજનગર શાક માર્કેટમાં પાસ-પાસે આવેલી બે દુકાનો વચ્ચે પાળ(ભીંત) છે, પરંતુ તેમની દુકાનો વચ્ચે આવી કોઇ ભીંત (ડિવાઇડર) નથી. બંનેનો શાકભાજીનો જ્થ્થો દુકાન તથા ગોડાઉનમાં સાથે જ રાખે છે પરંતુ આ બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ એવો તો મજબૂત છે કે આટલા વર્ષોમાં ક્યારેય એક શેર શાકભાજી કે એક મરચાં માટે પણ તકરાર થઇ નથી, વહેલી સવારથી આ બંને મિત્રો પોતાપોતાની જગ્યાએ ગોઠવાઇને પોતાની રીતે વેચાણ શરૂ કરી દે છે પરંતુ તેમની વચ્ચે કયારેય વેપારમાં ખોટી સ્પર્ધા કે ઇષ્ર્યાનો પ્રવેશ થયો નથી, તૌસીફભાઇ ગર્વથી જણાવે છે કે તેમના પિતા શરીફભાઇ અને નરેશભાઇ રામ-રહીમની જાેડી તરીકે રાજનગર માર્કેટમાં તથા આ વિસ્તારમાં ઓળખાતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સાડા-છ દાયકા દરમિયાન અમદાવાદ શહેર અનેક કોમી હુલ્લડોનું સાક્ષી રહ્યુ છે, પરંતુ આ બે પરિવારોના સભ્યો વચ્ચે પ્રવર્તતા માનવીય સંબંધોને ઊની આંચ પણ નથી આવી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here