૪૯ આરોપીઓ પૈકી ૨૦ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામેલ

અમદાવાદ,
રાજ્યમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૯ કાળા બજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નકલી સોફ્ટવેર બનાવી તેમાં ડેટા કોપી કરી લેતાં હતા. જેઓ અનાજ લેતા ન હતા તેઓના નામે અનાજ લઈ વેચી દેતાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ, લેપટોપ, સીપીયુ સહિત રૂપિયા ૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ જે ગ્રાહક અનાજ લેવા માટે ન આવે તે લોકોના ફિંગરપ્રિન્ટ અને ડેટા સોફ્ટવેર મારફતે કોપી કરી લેતા અને તે ડેટા તારીખ જતી રહ્યા પછી અપડેટ થઈ જાય તો તેને આધારે અનાજ બરોબર સગેવગે થઈ જતું હતું. હાલ આ રાજ્યવ્યાપી કૌભાંડ મોટી કંપનીઓ સાથે કનેક્ટ હોવાની શંકા પોલીસ નકારી રહી નથી.

ગરીબ લોકોને મળતું અનાજ બારોબાર વેચવાના કૌભાંડમાં ઓનલાઈન બિલ બનાવવામાં આવતું હતું. દિપક ઠાકોર એમ.એસસી આઇટી ભણેલો છે જેને આ કૌભાંડમાં ઉપયોગ લેવા માટે સોફ્ટવેર બનાવી આપ્યું હતું. વચેટિયાને પણ રૂપિયા આપવામાં આવતા હતા. આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ અગાઉ મામલતદાર કચેરીમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ સસ્તા અનાજના દુકાનદારો તેમજ વચેટિયાઓ સાથે મળી સસ્તા અનાજની દુકાનમાં જે રેશનકાર્ડ ધારકો મહિને અનાજ ખરીદ કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામે આર્થિક ફાયદો મેળવવા ખોટા ઓનલાઇન બીલો બનાવવા આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું અને ખોટા ઓનલાઇન બીલો પણ બનાવ્યા હતા. જેમાં રેશનકાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આંગળાની પ્રિન્ટનો ડેટા જેવા સર્વર સોફ્ટવેર બનાવી તેમાં આ ડેટા કોપી કરી રાખી તેનો ઉપયોગ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here