રાજકોટમાં પરિણીત યુવતી કુંવારા પ્રેમી સાથે ભાગી અમદાવાદ આવી ગઇ હતી

પરિણીતાનું નાક, કાન કાપી નાખ્યા અને વાળ કાપી માથાનું મુંડન કરી નાખ્યું

પ્રેમીના પણ વાળ કાપી મુંડન કરી તેને ડામ આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો

રાજકોટ,

રાજકોટમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતી પ્રેમી સાથે ભાગી જતા તેને તાલીબાન જેવી સજા આપી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી ગઇ અને અમદાવાદ આવી ગઇ હતી. બાળકોની યાદ આવતા તેઓ પરત ગામ ફર્યા અને પરિવારના સભ્યોના હાથમાં આવી જતા ક્રુરતા પુર્વક પરિવારના સભ્યોએ બંનેને 9 કલાક ઢોર માર માર્યો હતો. ગુસ્સો કાઢવા માટે પરિણીતાનું નાક, કાન કાપી નાખ્યા અને વાળ કાપી માથા મુંડન કરી નાખ્યું હતુ. પ્રેમીના પણ વાળ કાપી મુંડન કરી તેને ડામ આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોધાવવા તજવીજ હાથ ધરાઇ છે.

રાજકોટના જેતપુરના પીઠડીયા ટોલ નાકા પાસે નવા પુલ ઉપર રહેતા પરિણીત રાણીબહેન (નામ બદલેલુ છે) કુંવારા યુવકને લઈને ભાગી ગયા હતા. પરિણીતા કુંવારા પ્રેમી અરવિંદ સાથે ભાગી ગઇ હતી. પરિણીતાના પરિવારમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. જેના કારણે પરિણીતાના સગા સબંધીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી.

બંનેના પરિવાર પ્રેમી પંખીડાની શોધમાં લાગી ગયા હતા. આ દરમિયાનમાં પ્રેમી પંખીડાની ભાળ પરિવારને મળી હતી અને તેમણે ગમે તેમ કરી આ પ્રેમી પંખીડાને પકડી પાડ્યા હતા. આખરે પરિવારના સભ્યો અને સબંધીઓએ પ્રેમી પંખીડાને દબોચી લીધા હતા. આઠથી દસ જેટલા સબંધીઓએ પ્રેમી પંખીડાને પકડી પહેલા તો જગ્યા પર જ તેને ઢોર માર માર્યો હતો. પરિવાર અને સબંધીઓએ આ મેસેજ જાય અને આવુ ફરી કોઇ ન કરે તે માટે અમાનુષી અત્યાચાર કરવાનુ નક્કી કરી લીધું હતુ.

બંને પ્રેમી પંખીડાના સબંધીઓ પકડીને લેતા આવ્યા હતા અને તેમને માર મારી એટલેથી તે રોકાયા ન હતા અને પરિણીતાના કાન, નાક કાપી નાખ્યા હતા હજુ પણ તેમને ઓછું લાગતા તેમણે પરિણીતાના વાળ કાપી નાખી મુંડન કરી નાખ્યું હતુ.

પરિણીતાને આટલી સજા આપી અને ભાગેલા યુવકને સજા આપવાનું નક્કી કર્યું હતુ. તેથી યુવકને પણ માથા મુંડન કર્યું અને તેને પણ ડામ આપ્યા હતા. બંનેને વધુ માર માર્યો અને ઇજાઓ થતાં સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડી દીધા હતા. આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ મામલે હજુ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ ચાલી રહી છે. હાલ બંને પ્રેમી પંખીડા એક જ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ કિસ્સામાં પીડિતાએ જણાવ્યુ હતુ કે, તેઓ જેતપુરથી ભાગીને અમદાવાદ આવી જતા રહ્યા હતા પરંતુ બાદમાં તેઓને પોતાના બાળકોની યાદ આવતા તેઓ તેમને મળવા માટે ફરીથી ગામ ગયા હતા. આ સમયે તેમની સાસરી પક્ષના લોકોએ તેમને પકડી લીધા હતા. પીડિત યુવકે જણાવ્યુ હતુ કે, પરિણીતાના જેઠ અને તેમના 10 જેટલા સાથીઓ દ્વારા તેમને ઝડપી પાડ્યા બાદ લગભગ 9 કલાક સુધી મુઢ માર માર્યો હતો અને બાદમાં તેમનો ટકો કરાવી ઇજાઓ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here