એક જ દિવસમા જિલ્લામા ૮૩ “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” મા ૧૨૪૨ પથારીઓની વ્યવસ્થા કરાઈ :

‘મારુ ગામ, કોરોના મુકત ગામ’નુ આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા

આહવા: તા: ૪

ગુજરાતના તમામે તમામ ગામોને ‘કોરોના મુકત’ કરવા તા.૧ લી મે : ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલા ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ના રાજ્યવ્યાપી અભિયાનને ડાંગ જિલ્લામા ગ્રામીણ લોકભાગીદારી સાથે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, તથા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આહવાનને પગલે ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસ, એટલે કે માત્ર ૪૮ કલાકમા છેવાડાના ડાંગ જિલ્લામા પણ ૮૩ જેટલા ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ કાર્યરત કરીને કુલ ૧૨૪૨ પથારીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેમા સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન, પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ડાંગના ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાએ ‘કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ’મા ભોજન સહિત સ્ટાન્ડર્ડ દવાઓ વિગેરેની સેવાઓ ગ્રામીણ જનશક્તિની ભાગીદારીથી સરકારના ગ્રામવિકાસ, પંચાયત વિભાગના સહયોગથી ઉપલબ્ધ બની રહેશે તેમ જણાવ્યુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ : તા.૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમા ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ ‘કોરોના સંક્રમણ’ની વિકટ સ્થિતીમા ગામડાંઓમા કોરોના સંક્રમણ વધે નહિ, તેમજ ગામડાઓમા વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત, સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમા એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામા આવ્યું છે, તેમ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ.

રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક ગામોમા શાળા સંકુલો, વિવિધ જ્ઞાતિ/સમાજનીની વાડીઓ, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા, અને તેમા શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવાની અપિલને માથે ચઢાવી અહીં રહેવા, જમવા સાથે સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલ જેવી દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે.

ગામના આગેવાનો, યુવાનોને આ સેવાકાર્યમા જોડી ગ્રામીણ કક્ષાએ ‘કોરોના મુકત ગામ’ બનાવવા માટે ગામમા શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા, અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’મા ભોજન, આવાસ, દવાઓ, આયુર્વેદિક ઊકાળા સહિત પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય વિષયક સુવિધાઓ સાથે આઇસોલેશનમા અલગ રાખવામા આવશે તેમ પણ શ્રી વઢવાણિયાએ વધુમા જણાવ્યુ છે.

આ અભિયાનમા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી, અને ગામના અગ્રણીઓ એવા દસ વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી, વધુને વધુ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ શરૂ કરવામાં આવી રહ્યા છે.

તદઅનુસાર, ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમા ૮૩ સેન્ટર્સમા ૧૨૪૨ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. જેની વિગતો જોઈએ તો આહવા તાલુકાની કુલ ૨૭ ગ્રામ પંચાયતોમા ૨૬ સેન્ટર્સમા ૨૯૫ બેડ, વઘઇ તાલુકાની ૨૩ પંચાયત વિસ્તારમા ૩૭ સેન્ટર્સમા ૭૪૨, અને સુબિર તાલુકાની ૨૦ ગ્રામ પંચાયતોમા ૨૦ સેન્ટર્સ ખાતે ૨૦૫ મળી, ડાંગ જિલ્લામા કુલ ૭૦ ગ્રૂપ ગ્રામ પંચાયતોના કાર્યવિસ્તારમા ૮૩ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’મા ૧૨૪૨ પથારીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે, તેમ ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.

ગામડા ગામમા ‘કોરોના સંક્રમણ’ને ફેલાતો અટકાવી ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’નો સંકલ્પ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’થી સાકાર થશે, તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ કોરોનાની આ બીજી લ્હેરનો આવા ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ના માધ્યમથી ડાંગ જિલ્લાની ગ્રામીણ જનશક્તિ પૂરી સજ્જતા, સર્તકતાથી મુકાબલો કરી “કોરોના હારશે, ગુજરાત જીતશે” નો સંકલ્પ પાર પાડી ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’નુ આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન પણ બની રહેશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here