અમદાવાદ,૦૩
અમદાવાદમાં ભાડુઆતે છરીના ઘા મારીને મકાન માલિક વૃદ્ધનું હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના ભાડુઆતે રૂમના ભાડાની રકમ તથા અન્ય કારણથી અદાવત રાખીને પેટ અને ગળાના ભાગે છરીના ઘા મારતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના દીકરાએ આરોપી વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, ઘાટલોડિયાના ગોપાલસૂર્ય બંગલોમાં રહેતા વિવેક દેસાઈ પોતાના પિતા કરસનભાઈ તથા મોટા ભાઈ સાથે રહે છે, જમીન લે-વેચનો ધંધો કરે છે. તેમની મેમનગર વિસ્તારમાં રૂમો તથા દુકાનો છે તે ભાડે આપેલી છે. ૨ એપ્રિલના રોજ સાંજના સાડા છ વાગ્યે વિવેકભાઈને તેમના માસીના દીકરાનો ફોન આવ્યો. જેણે જણાવ્યું કે, કરસનભાઈ મેમનગરમાં એક દુકાનના ઓટલા પર બેઠા હતા. આ દરમિયાન તેમને ભાડુઆતએ છરા વડે પહેલા પેટના ભાગે અને પછી ગળાના ભાગે હુમલો કર્યો હતો. કરસનભાઈએ બુમાબુમ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. આથી ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વિવેકનો આક્ષેપ છે કે, કિશન પાસેથી રૂમનું ભાડું લેવાનું બાકી હતું, તેની અદાવત રાખીને જ તેણે કસરનભાઈની હત્યા કરી નાખી. આ સમગ્ર મામલે તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.