ગાઝિયાબાદ

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હવે બ્લેક ફંગસની બીમારી જોવા મળી રહી છે. માટે જ કોરોનામુક્ત દર્દીઓને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટેરોઈડ અને ઓક્સિજન લેનારા દર્દીઓમાં મ્યુકોરનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ હોય તેમણે પણ સાવધાન રહેવું જોઈએ. સંક્રમણ મુક્ત થયાના 20-25 દિવસ સુધી ભેજ અથવા ગંદકી હોય તેવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.

ડોક્ટરોનું કહેવું છે કે થોડી સાવધાની રાખવામાં આવે તો બ્લેક ફંગસને સરળતાથી હરાવી શકાય છે. કોરોનાના દર્દીઓએ પોતાના શુગર લેવલને જાળવી રાખવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેને વધતા રોકવું જોઈએ. શુગર લેવલ વધી જાય તેમજ ફિઝિકલ એક્ટિવિટી ના કરવામાં આવે તો શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડવા લાગે છે.

શરીરમાં રોગપ્રતિકારત શક્તિ ઓછી હશે તો હવામાં ઉપલબ્ધ ફંગસ આ દર્દીઓને પોતાની ચપેટમાં લઈ લેશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં મ્યુકોરના કેસ સતત વધી રહ્યા છે. મ્યુકોર જેને સાદી ભાષામાં બ્લેક ફંગસ તરીકે ઓળખવામાં આવે છે, જો તે વધી જાય તો આંખ કાઢવા સુધીની નોબત આવી શકે છે. બ્લેક ફંગસ પછી હવે વ્હાઈટ અને યલૉ ફંગસના કેસ પણ સામે આવી રહ્યા છે.

ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બીપી ત્યાગી જણાવે છે કે, બ્લેક ફંગસને ફેલાવવામાં ભેજ મદદ કરે છે. માટે પ્રયત્ન કરો કે જે ઓરડામાં અથવા ઘરમાં વરસાદ અથવા પાઈપ લીકેજને કારણે ભેજ થતો હોય, ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓને રાખવાનું ટાળો. આ સિવાય અન્ય એક ઈએનટી સ્પેશિયાલિસ્ટ તબીબે જણાવ્યું કે, માટી, ઝાડ-પાન, કમ્પોસ્ટ ખાતર અને સડતા કચરામાં મોટા પ્રમાણમાં ફંગસ હોય છે. માટે કોરોના સંક્રમિત દર્દીને ગંદકીથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તે સ્થળ પર હવામાં આ ફંગસ વધારે પ્રમાણમાં હશે દર્દી તેનો શિકાર બની શકે છે. કારણકે કોરોના સંક્રમિત દર્દીની ઈમ્યૂન સિસ્ટમ તે સમયે નબળી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here