વડોદરા,
શહેરના તરસાલી વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કમલા પાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ કર્મચારીના મકાનમાં મોડી રાત્રે મહિલાનાં વસ્ત્રો પહેરીને ઘૂસેલો એક યુવક બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સયાજી હોસ્પિટલ અને ત્યાર બાદ ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો હતો. ઘટના સંદર્ભે પોલીસે બનાવની નોંધ લઈ ચોરીની આશંકાએ તપાસ શરૂ કરી છે. તરસાલી વિસ્તારમાં બનેલી અજીબોગરીબ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

પોલીસના જણાવ્યા અનુઆર, તરસાલીની કમલા પાર્ક સોસાયટીમાં દિલીપ પાઠક રહે છે. તેઓ શહેર પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. ગુરુવારે રાતે તેઓ પરિવાર સાથે બીજા માળે ધાબા પર સૂવા ગયા હતા. મળસકે ૩-૩૦ વાગ્યાના અરસામાં દિલીપભાઈ લઘુશંકા માટે ઊઠ્યા હતા એ સમયે બીજા માળે એક શંકાસ્પદ વ્યક્તિ મહિલાનાં કપડાંમાં દેખા દેતાં તેમણે બૂમાબૂમ કરી હતી, જેમાં વ્યક્તિએ બીજા માળેથી ભૂસકો માર્યો હતો. યુવકે ભૂસકો લગાવતાં નીચે જમીન પર પટકાયો હતો. દિલીપભાઈ અને તેમના પરિવારે નીચે આવીને જાેતાં યુવક લોહીના ખાબોચિયામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો નજરે પડ્યો હતો. દિલીપભાઈએ બનાવની જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવકે મહિલાનાં આંતર વસ્ત્ર અને ગાઉન પહેર્યું હતું. પોલીસે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતાં યુવક મૂળ ઉત્તરાખંડ અને કમલા પાર્કની બાજુની આશિષ સોસાયટીમાં ભાડેથી રહેતો ૨૬ વર્ષનો વિરેન્દ્ર કુમાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરીની આશંકાએ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ વિરેન્દ્ર કુમારની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here