(અબરાર એહમદ અલવી)

રશિયાના હુમલાથી મારિયુપોલ નરક જેવું બની ગયું બુધવારે રશિયાએ મારિયુપોલ પર પણ બોમ્બમારો કર્યો હતો, આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે

કીવ, તા.૨૩

રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનુ મારિયુપોલ શહેર નરક જેવુ બની ગયુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શહેરને રશિયાની સેનાએ તહસ નહસ કરી નાંખ્યુ છે અને શહેરના બાળકો પાસે ખાવાના અને પીવાના પાણીના ફાંફા છે. તરસ્યા બાળકો રેડિયેટરનુ પાણી પીવા માટે અને મરેલા કુતરા ખાવા માટે મજબૂર બન્યા છે.

મારિયુપોલ શહેરના એક થિયેટરમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૨૦૦ લોકો આશરો લઈ રહ્યા હતા ત્યારે ગયા બુધવારે રશિયાએ તેના પર પણ બોમ્બમારો કર્યો હતો. આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયુ છે. અહીંયા હજી પણ બે લાખ લોકો ફસાયેલા છે. જેમને રશિયાએ અમાનવિય હાલતમાં છોડી દીધા છે.

હ્યુમન રાઈટસ વોચનુ કહેવુ છે કે, આ શહેર લાશો અને ઈમારતોના કાટમાળ વચ્ચેનુ બર્ફિલુ નરક બની ગયુ છે. એક સ્થાનિક નાગરિકે એક અખબાર સાથે વાત કરતા કહ્યુ હતુ કે, લોકો જીવતા રહેવા માટે અહીંયા રખડતા કુતરાને ખાઈ રહ્યા છે.

એક અખબારે સ્થાનિક વેપારી દિમિત્રોને ટાંકીને કહ્યુ હતુ કે, તમને વિશ્વાસ નહીં આવે પણ આ ધરતી પરનુ નરક છે.. મારિયુપોલની મહિલા વિકટોરિયા કહે છે કે ત્રણ બાળકોને તો હું જાણું છું જેમના મોત ભૂખ અને તરસના કારણે થયા હોય. ૨૧મી સદીમાં પણ બાળકો આ રીતે મરી રહ્યા છે. વિકટોરિયાનુ કહેવુ છે કે, તમામ ઈમારતો નષ્ટ થઈ ગઈ છે અને છતા રશિયાના હુમલા હજી પણ યથાવત છે. લોકો બેઝમેન્ટમાં છુપાઈ રહ્યા છે પણ બોમ્બ ધડાકા એટલા તીવ્ર હોય છે કે, બેઝમેન્ટમાં પણ લોકો મરી રહ્યા છે. લોકો પાસે પીવા માટે પાણી નથી. શહેરમાં લોકો રેડિયેટરમાંથી પાણી કાઢીને પી રહ્યા છે અને કુતરાને ખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here