Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

બાળકોના ભણતરનો વાલીઓને ભાર, સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50%નો ભાવ વધારો : વધી રહેલી મોંઘવારીના પગલે ભણતર મોંઘુ બન્યું

શાળા ખુલતાં સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50%નો ભાવ વધારો બાળકોના ભણતરનો વાલીઓને ભાર

ચોપડા, કંપાસ, પેન્સિલ, ફુટપટ્ટી વગેરેના ભાવ વધ્યા છે.

વધી રહેલી મોંઘવારીના પગલે ભણતર મોંઘુ બન્યું છે. બોર્ડના પરિણામો જાહેર થતાની સાથે મોટાભાગની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઉચ્ચ ધોરણમાં આવેલ બાળક માટે સ્ટેશનરી અને સ્કૂલ ડ્રેસ ખરીદવા નીકળતા વાલીઓ સ્ટેશનરી અને સ્કૂલ ડ્રેસના વધેલા ભાવો જોઇ તોબા પોકારી ઉઠ્યા છે. સતત વધી રહેલા મોંઘવારીના મારની સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી સામગ્રીના ભાવમાં કમ્મરતોડ વધારો નોંધાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

વર્ષ 2021માં સ્ટેશનરીમાં જે ભાવ હતો, તેમાં સરેરાશ 25 ટકાના વધારો નોંધાયો છે. જ્યારે સ્કુલ ડ્રેસમાં સરેરાશ 50 ટકાનો ભાવ વધારો થતા બાળકોને ભણાવવા માટે હવે વાલીઓને પેટે પાટા બાંધવાના દિવસો આવ્યા છે. દેશમાં સતત વધી રહેલા મોંઘવારીને કારણે લોકો પરેશાન છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, દૂધ, ઘીમાં ભાવ વધારો થતા સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું છે. હજુ તો બજેટ સેટ થાય તે પહેલા જ બાળકોનું ભણતર પણ મોંઘુ બનતા વાલીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગત વર્ષે રૂ.20ના ભાવે મળતી નોટબુક ચાલુ વર્ષે રૂ.25ની થઇ ગઇ છે. કંઈક એજ રીતે ચોપડા, કંપાસ, પેન્સિલ, ફુટપટ્ટી વગેરેના ભાવ વધ્યા છે. A4 સાઇજના (100 નંગ) પેપર ગત વર્ષે રૂ.160 માં મળતા હતા, જેમાં ભાવ વધારો થઈ ચાલુ વર્ષે રૂ.200 થઇ ગયા છે. સ્વાભાવિક છે કે, સ્ટેશનરી, ચોપડા, ડ્રેસમાં ભાવ વધારા સામે સામાન્ય વ્યક્તિની આવકમાં કાણી પાઇનો વધારો થયો નથી. “અભ્યાસક્રમના ચોપડાનો હજુ 30 ટકા જથ્થો આવ્યો નથી સરકારમાંથી પાઠ્યપુસ્તકોનો પુરો જથ્થો મળતો નથી. 30 ટકા પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી. સરકારમાં વાત કરી છે, આવતા અઠવાડીયામાં બધું ઠીક થઈ જશે તેમ કહે છે. અન્ય ચીજવસ્તુઓમાં ભાવ વધારો થયો છે, પરંતુ પાઠ્યપુસ્તકોના ભાવમાં નોંધપાત્ર વધારો નથી.” શૈલેશભાઈ શાહ, ચેરમેન, ચરોતર બુક સેલર્સ સ્ટેશનર્સ “અસહ્ય મોંઘવારીમાં બાળકોને કેવી રીતે ભણાવવા તે પ્રશ્ન છે પહેલા પેટ્રોલ, ડિઝલમાં ભાવ વધારો થયો. પછી દુધ, છાશ, ઘીમાં વધારો થયો. જે બાદ વિદ્યાર્થીના એડમિશન લેવા ગયા ત્યારે ફિમાં વધારો થયો. હવે જ્યારે વિદ્યાર્થીઓ માટે નોટબુક-ચોપડા લેવા આવ્યા છીએ ત્યારે તેમાં પણ અસહ્ય ભાવ વધારો છે.” મિત્તલબેન પટેલ, વાલી

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *