પેટ્રોલપંપના માલિકોએ હોર્ડિંગ્‍સ લગાવ્‍યા : પેટ્રોલ પુરાવવા વાહનોની લાઇનો

વલસાડ જીલ્લાના બોર્ડર પરના પેટ્રોલપંપોમાં મહારાષ્‍ટ્ર કરતા પેટ્રોલ-ડિઝલ સસ્‍તા હોવાથી વાહનચાલકો મહારાષ્‍ટ્રમાંથી પેટ્રોલ પુરાવવા આવે છે

(અબરાર એહમદ અલવી)

વલસાડ,

હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જ્યાં અડધો પૈસા પણ ઓછી મળવાની જાહેરાત થાય ત્યા લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોડી રહ્યાં છે. એમાં પણ જો તમને પેટ્રોલ 14 રૂપિયા અને ડીઝલ 4 રૂપિયા સસ્તું મળવાની જાહેરાત હોય તો રીતસરની લાઈનો લાગે. ગુજરાતમાં ઈંધણના ભાવ ઓછા હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી લોકો તેમની ગાડીની ટાંકી ભરવા માટે આવી રહ્યાં છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલ નેશનલ હાઈવેના પેટ્રોલપંપ પર વાહનોની કતારો લાગી રહી છે.

ગુજરાતના પેટ્રોલ પંપોએ સસ્તા પેટ્રોલ-ડીઝલના હોર્ડિંગ્સ લગાવ્યા

મહારાષ્ટ્રના મુંબઈ તેમજ અલગ અલગ જિલ્લાઓમાં ઈંધણના વધારાને કારણે પાલઘર, દહાણુ, બોઈસર, તલાસરી અને જવાહરના વાહનચાલકો થોડા રૂપિયા બચાવવાની આશામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવા માટે નજીકના ગુજરાતના સરહદી વિસ્તાર વલસાડ જિલ્લામાં આવી રહ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં જે પેટ્રોલ પંપ આવેલુ છે તે પાલઘરથી લગભગ 12 કિમી દૂર છે. પેટ્રોલનો ભાવ રૂપિયા 99.94 હતો, જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ₹94.09 અને CNGનો ભાવ ₹71.84 હતો. જ્યારે પાલઘરમાં મંગળવારે પેટ્રોલની કિંમત ₹114.62 હતી, જ્યારે ડીઝલની કિંમત ₹97.38 વધુ જોવા મળી હતી. જેને લઈ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અમુક પેટ્રોલ પંપના માલિકોએ હોર્ડિંગ્સ લગાવ્યા છે કે, મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું મળશે પેટ્રોલ 14 રૂપિયા અને ડીઝલ 4 રૂપિયા સસ્તું મળશે.

ગાડીની ટાંકી ફુલ કરાવીને મહારાષ્ટ્ર પરત ફરે છે

આ વિશે મહારાષ્ટ્રના એક શખ્સ કહે છે કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછામાં ઓછા ₹12 થી ₹15 પ્રતિ લિટર સસ્તા છે. તે અમને પોસાય છે. કારણ કે ભીલાડમાંથી જવા અને પાછા આવવા માટે ભાગ્યે જ અડધો લિટર ઇંધણ ખર્ચાય છે. ત્યારે મહારાષ્ટ્રના પુનાના બિઝનેસમેન સચિને જણાવ્યું હતું કે, મેં મારી ગાડીની ટાંકી સંપૂર્ણ રીતે ભરાવી છે. મહારાષ્ટ્રમાં વધુ ભાવ હોવાથી હું વલસાડ જિલ્લાના વાપીમાં કામ અર્થે આવુ તો પટ્રોલ ફુલ ભરાવી લીધું. હવે મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. બે પૈસાની બચત થાય એટલે ટાંકી ફૂલ કરાવી છે. વધતા ભાવ અને અલગ અલગ ભાવમાં સરકારે વિચારવુ જોઈએ અને સરખો ભાવ હોવો જોઈએ. જેથી લોકોને આટલી મુશ્કેલી ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here