અભયમની ટીમના જણાવ્યા અનુસાર, વડોદરાની સેજલ (નામ બદલ્યાં છે)ના લગ્ન ૧૪ વર્ષ અગાઉ નયન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં ૧૩ વર્ષ, ૧૧ વર્ષ, સાત વર્ષ અને ત્રણ વર્ષની પુત્રી અવતરી હતી. પુત્રને જન્મ આપ્યો ન હોવાથી સાસુ અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
એક વર્ષ અગાઉ પતિએ પરિણીતાએ માનસિક સંતુલન ગુમાવ્યું છે અને તે પુત્રને જન્મ નહીં આપી શકે તેમ માની તેને ઘર પાસેના એક રૂમમાં બંધ કરીને ગોંધી રાખી હતી. જાે કે, તેને પાણી અને ખાવાનું આપવામાં આવતું હતું. પરંતુ ત્રણ દિવસ અગાઉ બંધ ઓરડામાંથી મહિલાએ પાણી-પાણીની બુમો પાડી હતી. જેને પગલે ત્યાંથી પસાર થતાં એક શ્રમિકને આ વાત ધ્યાને આવી હતી અને તેણે આ મામલે ૧૮૧ અભયમને જાણ કરી હતી. જેને પગલે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરિણીતાની હાલત એટલી હદે કથળી ગઈ હતી કે તેને જ્યારે અભયમની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી ત્યારે તે વ્યવસ્થિત ચાલી શકતી પણ નહોતી. આ ઉપરાંત, તેણે છેલ્લાં એક વર્ષથી સ્નાન ન કર્યું હોય તેના શરીરમાંથી બદબુ પણ આવતી હતી. આણંદના સખી વન સ્ટોપ સેન્ટરે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેના માતા-પિતા અને પતિ તથા સાસુનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમને તેની સારસંભાળ રાખવા સમજાવ્યા હતા. તારાપુરના એક ગામમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં સાસરીયાઓએ પરિણીતાને છેલ્લાં એક વર્ષથી બંધ રૂમમાં ગોંધી રાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાહવા-ધોવાની વાત તો દૂર રહી પરંતુ પરિણીતા પાણી માટે પણ તરસતી રહેતી હતી.