પશ્ચિમ અમદાવાદના વિકાસની ઢબે પૂર્વ અમદાવાદ અને ખાસ કરીને કોટ વિસ્તારનો સમાંતર વિકાસ કરવામાં આવે : ધારાસભ્ય

0

શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારની ડ્રેનેજ, પાણી તથા રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરો : ધારાસભ્ય

અમદાવાદ,તા.૧૯

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દૂધેશ્વર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનું કામ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલ ભાજપના શાસકો દ્વારા કરવામાં આવેલ છે.  અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓ, આધુનિક ફ્લાયઓવર, મોડેલ રોડ, પહોળા રસ્તા, એરકન્ડીશન્ડ જીમ તથા કોમ્યુનીટી હોલની સુવિધાઓ ઉપલબ્ધ છે તેને પણ અમો આવકારીએ છીએ પરંતુ પશ્ચિમ અમદાવાદની ઢબે પૂર્વ અમદાવાદનો પણ સમાંતર વિકાસ કરવો જાેઈએ. પરંતુ પૂર્વ અમદાવાદ અને એમાં પણ ખાસ કરીને કોટ વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાઓ – ડ્રેનેજ પાણી જેવી સુવિધાઓથી વંચિત છે અને નાગરિકોને પીવા માટે મળવાળું પાણી મળે છે. ડ્રેનેજ ઉભરાવાવની સમસ્યા કાયમી ઘર કરી ગઈ છે અને પીવાનું પાણી અપૂરતા પ્રેશરથી મળે છે અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવું પડે છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉમેરે છે કે, મેં ગુજરાત વિધાનસભા સહિત સંસદ સભ્યો અને ધારાસભ્યોની સંકલન સમિતિમાં શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુ મીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલનો ખાડો તથા શંકુરભુવન, મીઠન સૈયદના છાપરામાં નર્કગાર જેવી સ્થિતિ પ્રવર્તે છે તે મુદ્દો વારંવાર ઉપસ્થિત કર્યો છે. મારી ઉગ્ર રજૂઆતોના પરિણામે કન્સલટન્ટ દ્વારા સર્વે કરી રીઈન્સ્ટેટની કામગીરી હયાત ડ્રેનેજ અને પાણીની લાઈનોના અપગ્રેડેશનની કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજી રાજકીય કારણોસર ઉપરોકત વિસ્તારોમાં કામગીરી શરુ કરવામા આવી નથી. માટે મારી માગણી છે કે દૂધેશ્વર વિસ્તારમાં તાત્કાલિક સર્વેના આધારે અપગ્રેડેશનની કામગીરી શરુ કરાવી પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં ધારાસભ્ય તરીકે ચૂંટાતા દૂધેશ્વર વિસ્તારની સુખાકારી માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શાહપુર વોર્ડને દત્તક લઈ ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન અંદાજે ૪.૫ કરોડ રુપિયાની પોતાની ગ્રાન્ટ આપી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજુ પણ આ વિસ્તારની સ્થિતિ અત્યંત દયાજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here