ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી જેથી ગાડી છોડી પીકઅપ ચાલક અને તેના સાથીદારો પાણીમાં તરીને નાસી છૂટ્યા
સાજીદ સૈયદ, નર્મદા
જંગલોમાં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફથી સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સાગબારાના આર.એફ.ઓ (RFO) વી.જી. બારીયાને મળેલ ગુપ્ત માહિતીના આધારે સાગબારા તાલુકાની બગલા ખાડીમાંથી ખેરના લાકડા ભરેલી નંબર વગરની પીકઅપ વાન વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી જ્યારે પીકઅપ ચાલક અને તેના સાથીદારો નાસી જવામાં સફળ રહ્યા હતા.
સાગબારા તાલુકામાંથી લાકડાની ચોરી કરેલ એક પીકઅપ વાન પસાર થવાની બાતમી સાગબારાના આર.એફ.ઓ. વી.જી.બારીયાને મળી હતી, જેથી તેઓએ નર્મદાના નાયબ વન સંરક્ષણના માર્ગદર્શન હેઠળ અન્ય રેન્જ ફોરેસ્ટ ઓફિસરો સાથે મળી ટીમ બનાવી દેવ મોગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ સમય દરમિયાન ગુદવાણ ફાટક પાસે નંબર વગરની પિકઅપ ગાડી આવતા તેને હાથના ઇશારે ઉભી રાખવાની કોશિશ કરી હતી. પરંતુ પિકઅપ ચાલકે ગાડી ઉભી રાખવાના બદલે હંકારી મુકતા ફોરેસ્ટ અધિકારીઓ ફિલ્મી ઢબે તેનો પીછો કરતા ચાલકે બગલા ખાડીમાંથી ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખાડીમાં વધુ પાણી હોવાથી ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી જેથી ગાડી છોડી પીકઅપ ચાલક અને તેના સાથીદારો પાણીમાં તરીને નાસી છૂટ્યા હતા. ગાડીની તપાસ કરતા ખેરના તાજા છોડેલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી ભારતીય વન અધિનિયમની કલમ હેઠળ વાહનની અટક કરી હતી.
આ અંગે વધુ તપાસ કરતા ખેર ગંડેરી નંગ-22 ધ.મી. 1,269 જેની અંદાજિત બજાર કિંમત 50592, અને ટાટા પીકઅપ ગાડીની અંદાજિત કિંમત 900000 મળી કુલ 950592નો મુદ્દામાલ નર્મદા વન વિભાગે કબ્જે કર્યો હતો.