નણંદનો સોદો કરતી ભાભીનું કારસ્તાન સામે આવ્યું

0

અમદાવાદ,તા.૦૯

અમદાવાદમાં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહવિક્રય માટે મોકલતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. સંબંધોને તાર તાર કરનારી આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વટવા GIDCમાં રહેતી સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતા હતા. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી. ભાભી જ નણંદને બળજબરીપૂર્વક બે હજાર રૂપિયામાં યુવકો સાથે મોકલી આપતી હતી.

વટવા GIDC વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ હતી. દોઢેક મહિના સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. સગીરાએ તેના બીજા ભાઈને જાણ કરી હતી કે જ્યારે તે ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ ત્યારે ભાભીએ તેને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી. એ પહેલાં આ સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી અને બાદમાં નવરંગપુરામાં આવેલી હોટલ ક્રિસ્ટલ પર લઈ ગઈ હતી, જ્યાં રૂપિયા બે હજાર લઈને તેને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી આપી હતી. તે યુવકે સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં તેની ભાભીના કહેવાથી ફરીથી સગીરાને ઈસનપુર લઈ જવામાં આવી, જ્યાં અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને તેને યુવકના ઘરે બીજા રૂમમાં મોકલી આપી હતી. ત્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું.

સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સમાજમાં સંબંધોની મર્યાદાને શરમમાં મૂકે એવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. અમદાવાદમાં પણ આવા અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સગી ભાભી પોતાની નણંદને દેહવિક્રય કરવા મજબૂર કરતી હતી. બે હજાર રૂપિયાની લાલચમાં સગીર વયની નણંદને વાસના ભૂખ્યા હેવાનોને સોંપી દેવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here