ભાવવધારો માંગતા કોન્ટ્રાક્ટ કેન્સલ કરાયો

અમદાવાદ,

વર્ષ ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બાજુમાં આવેલા દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડી અને નવું ફાયર સ્ટેશન, મલ્ટીલેવલ પાર્કિંગ અને ફાયર વિભાગના સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટની નિમણૂંક કરી અને સમગ્ર ડિઝાઇન બનાવી નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને રૂ.૫૨.૯૭ કરોડના ખર્ચે આ ટેન્ડર આપવામાં આવ્યું હતું પરંતુ જામા મસ્જિદની ૧૦૦-૩૦૦ મીટરની મર્યાદામાં પ્લોટ આવતો હોવાથી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરીટીની દિલ્હી ખાતે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. દિલ્હીથી ઊંચાઈ માત્ર ૧૮ મીટરની રાખવા અંગેની મંજૂરી આપવામાં આવતા રિવાઇઝ્‌ડ પ્લાન બનાવી ફરી દિલ્હીમાં મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું તે દરમિયાન વચ્ચે કોરોના કાળ આવતા ૧૮ મહિનાનો મંજૂરીમાં સમય નીકળ્યો હતો. જૂન ૨૦૨૧માં મ્યુનિસિપલ કોર્પોરેશનને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળતા કામગીરી શરૂ કરવા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાકટર નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કોરોના કાળમાં સિમેન્ટ, સ્ટીલ અને સ્ટ્રકચરલ સ્ટીલનો ભાવ વધારો થતાં ભાવ વધારા અને વધારાની રૂ.૫૦ લાખની માગ કરી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ૨ વખત કામ મુકવામાં આવ્યું હતું જેમાં કોન્ટ્રાકટર સાથે ફરી વાત કરી ભાવવધારામાં નેગિશીએશન કરવામાં આવ્યું હતું. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે આજે મળેલી કમિટીમાં આ કોન્ટ્રાકટરનું કામ કેન્સલ કરી શોર્ટ ટેન્ડર કરવામાં આવ્યું છે. ૧૫ દિવસમાં ટેન્ડર પ્રક્રિયા કરી અને જે કંપની આ જ ભાવમાં ક્વોલિફાય થાય તેને કામ આપવામા આવશે. અમદાવાદ શહેરમાં મધ્યભાગમાં આવેલા ૮૦ વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડી ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા માટે વર્ષ ૨૦૧૯માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડી અને રૂ.૫૨.૯૭ કરોડમાં નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ કોરોના અને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની મંજૂરીના કારણે કામ અટકી પડ્યું હતું. દરમિયાનમાં કોન્ટ્રાક્ટરે કોરોના કાળ દરમ્યાન વસ્તુઓમાં ભાવ વધ્યા હોવાનું કહી અને હવે ભાવ વધારો માંગતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યો છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી અને શોર્ટ ટેન્ડર કરી આગામી દિવસોમાં ફરીથી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની તૈયારી કરવામાં આવી છે. જાેકે આજ ભાવમાં અન્ય કંપનીઓ કામ કરવા તૈયાર થશે તેના પર સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here