એકાદ કિલો કોકેઇન કે ડ્રગના પાઉચ પકડવાથી કાંઇ નહી વળે, મોટા માથાઓને પકડો : નાણામંત્રી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના 65મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપ્યું હતું. સીતારામણે ડીઆરઆઈ, કસ્ટમ સહિતના અધિકારીઓને ડ્રગ તસ્કરીમાં સંડોવાયેલા મોટા ગુનેગારોને ઝડપી પાડવાનો આદેશ આપ્યો હતો.

નાણામંત્રી સીતારામણે કહ્યું કે, કોણ મોટા પ્રમાણમાં ડ્રગ મોકલી રહ્યું છે તે જાણી લેવું પડશે. મહેસૂલ ગુપ્તચર અધિકારીઓએ દરેક કેસનું તાકીદે નિવારણ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. નાણામંત્રીએ કહ્યું કે, નિશ્ચિત રીતે દાણચોરો કેટલાક પુરાવા છોડશે જેના આધારે મુખ્ય ગુનેગાર સુધી પહોંચવું સરળ બની જશે. તમારે એ બાબતની તકેદારી રાખવાની છે કે દાણચોરો તમારાથી વધુ કુશળ ન હોય, તમારે વધારે મહેનત કરવી પડશે. ડ્રગના પાઉચ અથવા એક કિલોગ્રામ કોકેઇનવાળાને પકડવા પૂરતા નથી. દેશમાં ડ્રગ્સનો પહાડ કોણ મોકલી રહ્યું છે, તેના માટે કોણ પૈસા લગાવી રહ્યું છે તે બધું જાણો અને પછી મોટા માથાઓને પકડો.

નાણામંત્રીએ અધિકારીઓને કહ્યું કે, તમે નાના ફેરિયાઓ, દાણચોરો, બદમાશોને પકડી રહ્યા છો. શું આટલું પૂરતું છે ? લોકોનો વિશ્વાસ મેળવવા માટે આ પૂરતું નથી. શું તમે આવા કિસ્સાઓના મોટા હેન્ડલર્સને પકડવામાં સક્ષમ છો જે પડદા પાછળ છે, તેમણે એમ પણ સૂચવ્યું હતું કે ડીઆરઆઈ અધિકારીએ મુખ્ય ગુનેગારો સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને વૈશ્વિક સંકલન પર વધુ ભાર મૂકવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં તાજેતરના સમયમાં ડ્રગનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here