અમદાવાદ,

ભારત ડીજીટલ પેમેન્ટ કરવામાં આગળ આવી રહ્યું છે પરંતુ અમુક બોગસ લોકોના કારણે ડીજીટલ પેમેન્ટ પર ભરોસો કરવો અશક્ય બનતો જઇ રહ્યો છે. કારણ કે રોજબરોજ ઠગાઈ કરવાના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવો જ એક બનાવ અમદાવાદનો છે. જેમાં Paytmથી પેમેન્ટ કરીને નકલી મેસેજ બતાવી વેપારીઓને ઠગતા ભેજાબાજ ઠગોની ઝોન-૨ એલસીબી દ્વારા એક સપ્તાહ પહેલાં જ ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખોટા મેસેજાે આપીને કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદી કરતા હતા, પરંતુ હજી પણ વેપારીઓને છેતરવા માટે સાયબર ગઠિયા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે.

હવે અમદાવાદમાં શાહપુરમાં પાનના ગલ્લાના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કિટનાં પેકેટો સહિતની ૩ હજાર રૂપિયાની ખરીદી કર્યા બાદ આરોપી બેન્ક જેવો જ ખોટો Paytm મેસેજ કરીને માલસામાન લઇને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં પણ લાલ દરવાજામાં સામાનની ખરીદી કરી હતી અને માધુપુરા માર્કેટ તથા ખાનપુરમાં તેલના વેપારી પાસેથી ૫૧૦૦ના તેલના ડબ્બાની ખરીદી કરીને વેપારીને બેન્કમાંથી આવે એવો Paytmનો મેસેજ કરીને તેલના ડબ્બા લઇને છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં ઝોન-૨ DCPની LCBએ તપાસ કરી આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. શાહપુરમાં મિલ કમ્પાઉન્ડ પાસે વિનયગેસની બાજુમાં ત્રીજા માળે રહેતા અને મિલ કમ્પાઉન્ડ ખાતે સિટી ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરી નામની દુકાન ધરાવતા સરવરઅલી કૌશરઅલી અંસારીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ના રોજ બપોરે અઢી વાગે કોઇક અજાણી વ્યક્તિએ આવીને પાનમસાલા તથા સિગારેટ પેકેટ અને બિસ્કિટનાં પેકેટ સહિત કુલ ૩ હજારની ખરીદી કરી હતી અને દુકાનદારને Paytm કરીને બેન્ક જેવો ખોટો મેસેજ કરીને નાસી ગયો હતો. વેપારીએ બેન્કમાં તપાસ કરતાં તેમના ખાતામાં કોઇ રૂપિયા જમા થયા ન હતા. પોલીસે પ્રજાને જાગ્રત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈપણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવે તો પોતાનું બેંક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જાેઈએ, જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતાં અટકાવી શકાય.

આ સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જાે કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તે ઝોન-૨ સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશન પર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. હાલ તો કારંજ, માધુપુરા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here