પોલીસ ફરિયાદ નોંધાતાં શિક્ષક ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી

શંખેશ્વર ખાતે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરતા સમગ્ર બાબતે ચકચાર મચી હતી. ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો જ્યારે હોબાળો મચી જતા અને પોલીસ ફરિયાદ દાખલ થતા આરોપી શિક્ષક મોબાઈલ બંધ કરીને ઘરેથી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

શંખેશ્વરના મૂળ વતની અને હાલમાં રાધનપુર ખાતે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી છેલ્લા એકાદ માસથી શંખેશ્વર ખાતે આવેલ પ્લોટવાસમાં ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. ગઈ 27 સપ્ટેમ્બરને મંગળવારે સાંજે છ વાગે તેણી ટ્યુશન ક્લાસ પર પહોંચી હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ આવેલા ન હોઈ વિદ્યાર્થિની પગથિયા ઉતરીને ઓટલા પર નીચે બેઠી હતી ત્યારે ટ્યુશન ક્લાસ ચલાવતો શિક્ષક જલાભાઈ નાડોદાએ વિદ્યાર્થિનીને ઉપર બેસવા જણાવી તેઓ પણ ક્લાસમાં આવ્યા હતા અને ઈંગ્લીશના સ્પેલિંગ પાકા કરવા આપ્યા હતા.

થોડીવાર પછી તેની પાસે બેસીને શારીરિક છેડછાડ શરૂ કરતાં ગભરાયેલી વિદ્યાર્થીની ઘરે ભાગી છૂટી હતી અને તેના દાદા દાદીને હકીકત જણાવી હતી તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીની તેના દાદા અને દાદી સાથે શંખેશ્વરમાં રહી પ્રાથમિક શાળામાં ધો-7માં અભ્યાસ કરે છે. તેના પિતા માતા અને બીજી બહેનો રાધનપુર ખાતે રહે છે. તેણે ફોનથી જાણ કરતા તેના માતા પિતા દોડી આવ્યા હતા.

તપાસ ચલાવી રહેલા પીએસઆઇ જે આર શુક્લાએ જણાવ્યું હતું કે, જલાભાઈ નાડોદા શંખેશ્વર ખાતે આવેલ શિશુ મંદિરમાં પ્રાઇવેટ શિક્ષક તરીકે નોકરી કરે છે અને શંખેશ્વર ખાતે પ્લોટવાસમાં મેડા ઉપર ટ્યુશન ક્લાસ ચલાવે છે. ટ્યુશન ક્લાસમાં એકાદ માસથી જતી વિદ્યાર્થીની સાથે ઘટના બની હોવાની ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે તેનો મોબાઈલ બંધ આવે છે અને તેના ઘરેથી ક્યાંક નાસી જતાં તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here