“ઝાઝા હાથ રળિયામણા” ઉક્તિને સાર્થક કરતુ આહવાનુ ‘જનસેવા’ ગ્રૂપ

0

અહેવાલ : મનોજ ખેંગાર

ડાંગ જિલ્લામા “કોરોના સંક્રમણ”ના વ્યાપ વચ્ચે ખૂબ જરૂરી એવા એક વાહન (શબવાહિની)ની આવશ્યકતા વર્તાતા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સ્વીકારી આહવાના ‘જનસેવા’ ગ્રુપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રની મર્યાદાઓ જાણી પીછાણી માનવસેવાના કાર્યમા પોતાનુ યોગદાન આપ્યુ છે.

“કોરોના” સામે જનજાગૃતિ કેળવવાના ભાગરૂપે “માસ્ક વિતરણ” થી શરૂ કરેલી આ સેવાની સફર “શબવાહિની” સુધી પહોંચી ચુકી છે.

“કોરોના કાળ”મા જ્યારે સ્વૈચ્છીક લોકડાઉનને કારણે ધંધા રોજગાર બન્ધ થવા પામ્યા છે, ત્યારે આહવાના આ નવલોહીયા યુવાનોએ ઘરમા પુરાઈ રહેવાને બદલે સામી છાતીએ સામાજિક સેવા સ્વિકારીને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

“કોરોના”ને કારણે મૃત્યુ પામતા કમનસીબ દર્દીઓના “કોરોના પ્રોટોકોલ” મુજબ અંતિમ સંસ્કારની કપરી કામગીરી સાથે સ્મશાન ગૃહો, કબ્રસ્તાનોની સાફ સફાઈ સહિત મહોલ્લા અને ગામમા સેનેટાઇઝ કરવુ, કન્ટેનમેન્ટ ઝોનના લોકોને જરૂરિયાત મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવવી, જંગલ વિસ્તારમા લાગતા દવ સામે જંગલ બચાવની કામગીરી, આહવાના સનસેટ પોઇન્ટ જેવા સાર્વજનિક સ્થળોની જાળવણી સહિત “કોરોના પોઝેટિવ” દર્દીઓ તથા તેમના પરિવારજનોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી, મૃતકના સંતપ્ત પરિજનોને મદદરૂપ થવુ જેવા અનેક કાર્યો આ ગ્રુપના સભ્યો કરી રહ્યા છે.

“કોરોના” સામે પ્રજાકીય જાગૃતિ કેળવવાની સાથે પોતાની સલામતી જાળવી, સંજોગોના શિકાર બનેલા લોકોને માટે આશીર્વાદરૂપ બનતા આ યુવાનોની સેવાઓનો વ્યાપ આહવાના સીમાડા ઓળંગીને ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તર્યો છે.

બન્ધ બોડીના વાહન (શબવાહિની) ના માધ્યમથી કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર હોસ્પિટલ અને સ્મશાનગૃહ સુધી પૂર્ણ માન સન્માન સાથે કમનસીબ મૃતદેહોને લઈ જતા આ યુવાનોની સેવા સાચા દિલની સલામીને પાત્ર છે.

આહવાના ‘જનસેવા’ ગ્રુપની અમૂલ્ય સેવા મેળવવા માટે જરૂરિયાતમંદો ગમે ત્યારે કૌશિક જાદવ : ૯૯૯૮૬ ૦૦૧૮૦, બંટી બચ્છાવ : ૯૬૬૨૦ ૯૦૦૭૧, તથા નકુલ જાદવ : ૯૭૩૭૯ ૮૩૩૪૪નો સંપર્ક સાધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here