ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા

0

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્‍ય સરકાર અને તંત્રને યોગ્‍ય નિર્દેશ કરવા રજૂઆત

અમદાવાદ,તા.૨૦

શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે કે, ગુજરાતની જનતા સમગ્ર દેશ અને વિશ્વમાં શાંતિપ્રિય પ્રજા તરીકે જાણીતી છે. ગુજરાતની ૬.૫ કરોડની જનતા શાંતિ અને સદ્‌ભાવનાથી રહેવા માંગે છે. લોકોમાં એકતા-અખંડિતતા કાયમ રહે, પ્રેમ-ભાઈચારો બની રહે, રાજ્‍યમાં શાંતિ-સલામતી જળવાઈ રહે તે જોવાની જવાબદારી જે-તે સરકારની હોય છે. છેલ્લાં કેટલાંક સમયથી રાજ્‍યમાં સાંપ્રદાયિક પરિસ્‍થિતિ ઉભી કરી સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાના વાતાવરણને છિન્‍ન-ભિન્‍ન કરવાના પ્રયાસો થઈ રહ્‌યા છે. તાજેતરમાં રામનવમીના દિવસે રાજ્‍યમાં શોભાયાત્રા દરમ્‍યાન હિંમતનગર અને ખંભાત ખાતે પથ્‍થરમારો અને આગચંપીની ઘટનાઓ બનેલ. હિંમતનગર ખાતે ચારથી વધુ ધાર્મિક સ્‍થળો સહિત કરોડો રૂપિયાની માલ-મિલ્‍કત સળગાવી દેવામાં આવેલ અને હિંમતનગરમાં પરિસ્‍થિતિ વધુ વણસી હતી. આશ્‍ચર્યજનક બાબત તો એ છે કે, હિંમતનગર ખાતે જે ધર્મના ચાર જેટલા ધાર્મિક સ્‍થળો તોડવામાં આવ્‍યા છે તેમાં તે જ ધર્મના લોકોના નામોનો પણ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. ખંભાતમાં પથ્‍થરમારાની ઘટના બાદ ટોળા દ્વારા ખંભાત શહેરમાં દુકાનો, મકાનો અને લારીઓ સળગાવવામાં આવી અને તોડફોડ કરવામાં આવી. ખંભાતમાં બનેલ કમનસીબ ઘટનામાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે.

તા. ૫-૪-૨૦૨૨ના રોજ આણંદ જિલ્લાના બોરીયાવી ખાતે ધાર્મિક સ્‍થળ પાસે બે જુથો વચ્‍ચે ડીજે વગાડવા બાબતે પથ્‍થરમારાની ઘટના બનેલ. આ ઘટનામાં પક્ષપાતી રીતે ફક્‍ત એક જ જુથના લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. રાજ્‍યમાં અશાંતિની ઘટનાઓ બનતી અટકે તે માટે માનનીય મુખ્‍યમંત્રીશ્રીને તા. ૧૨-૪-૨૦૨૨ના રોજ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ત્‍યારબાદ પણ તા. ૧૭-૪-૨૦૨૨ના રોજ વેરાવળ અને તા. ૧૮-૪-૨૦૨૨ના રોજ વડોદરા ખાતે પણ અશાંતિની ઘટનાઓ બની છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

આગળ ધારાસભ્યો રજૂઆત કરે છે કે, રામનવમીની શોભાયાત્રા દરમ્‍યાન બે ધર્મના લોકો વચ્‍ચે અશાંતિ ફેલાવવા અને શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળાવાની શક્‍યતા આણંદના એક સામાજીક આગેવાન દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવેલ અને સોશ્‍યલ મીડીયા દ્વારા પણ આશંકા દર્શાવવામાં આવેલ. આવી ભીતિ અંગે સેન્‍ટ્રલ I.B.ના અધિકારી અને પોલીસ અધિક્ષકશ્રી, આણંદને ટેલિફોનિક રજૂઆત કરેલ અને કટ્ટરવાદી તત્ત્વો કાંકરીચાળો કરી અશાંતિ ફેલાવે નહીં તે માટે પગલાં ભરવા માંગણી ક૨વા છતાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે કટ્ટરવાદી તત્ત્વો અશાંતિની ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્‌યા હતા.

હિંમતનગર ખાતે બનેલ બનાવોમાં સાબરકાંઠા જિલ્લાના એક ઉચ્‍ચ પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે મળી, માથા પરની કેપ ઉતારી, ખિસ્‍સામાં મૂકી, પથ્‍થરમારો કરતા હોવાના વીડીયો પણ સામે આવ્‍યા છે (જેની પેન ડ્રાઈવ બિડાણ સહિત આ સાથે સામેલ છે). સદર ઘટના લોકશાહી માટે અત્‍યંત ગંભીર બાબત ગણાય. આ ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી, ખરાઈ કરી, જવાબદાર સામે પગલાં લેવા જોઈએ. હિંમતનગરના બનાવોમાં રાજકીય હસ્‍તક્ષેપ કરી ષડયંત્રકારીઓને બચાવવા માટે એકતરફી ન્‍યાય વિરુદ્ધની પક્ષપાતભરી કાર્યવાહી કરવામાં પોલીસ તંત્રના સરકારના માનીતા એક ઉચ્‍ચ અધિકારીની પણ શંકાસ્‍પદ ભૂમિકા હોવાની આજે લોકમુખે ચર્ચા થઈ રહી છે. પોલીસ તંત્રના આવા અધિકારીઓ નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહી કરે તે માટે યોગ્‍ય નિર્દેશ આપવા જોઈએ.
રાજ્‍યમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવાના ષડયંત્રના ભાગરૂપે રાજકીય લોકો અને રાજકારણ સાથે સંકળાયેલ સંસ્‍થાઓ બેખોફ રીતે ભડકાઉ ભાષણો આપે છે. રેલીઓમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવતા ગીતો વગાડવામાં આવે છે અને ઉશ્‍કેરણીજનક નારાઓ લગાવવામાં આવે છે, જેના કારણે કોમવાદી ઘટનાઓને અંજામ મળે છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાથી તોફાની તત્ત્વોને સરકારનું સીધું પીઠબળ છે અને આવી ઘટનાઓ રાજકીય કારણોસર સરકારની શેહ પર થઈ રહી છે તેવી પ્રતીતિ પ્રજાને થાય છે. ભડકાઉ ભાષણો તથા સોશ્‍યલ મીડીયા થકી સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળનાર તત્ત્વો સામે સરકાર દ્વારા સીધી ફરિયાદ દાખલ થવી જોઈએ.

રાજ્‍યમાં શાંતિ અને સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળવા માટે બનતી ઘટનાઓ સમયે રાજકીય લોકો પોલીસ દ્વારા થતી નિષ્‍પક્ષ કાર્યવાહીમાં હસ્‍તક્ષેપ કરે છે ત્‍યારે રાજકીય હસ્‍તક્ષેપ અટકાવી, પોલીસને ધર્મ-જાતિથી પર રહી, નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહી સરકારે કરવા દેવી જોઈએ. અશાંતિની ઘટનાઓ ચોક્કસપણે બંધ કરવી હોય તો ષડયંત્રકારીઓ અને સાચા આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્‍યમાં અશાંતિની ઘટનાઓ બનતી અટકાવવા માટે તોફાની તત્ત્વોને પ્રોત્‍સાહિત કરવાના બદલે સરકારે સાચા ગુનેગારોને વીણીવીણીને પકડવા જોઈએ અને તેમની સામે ફરિયાદ નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સરકાર અને પોલીસ કામગીરી કરી રહી છે તેવી પ્રતીતિ પ્રજા અને મીડીયાને કરાવવા માટે નિર્દોષ નાગરિકોની થતી ધરપકડ બંધ કરવી જોઈએ. સર્વે સમાજના ધાર્મિક કાર્યક્રમો, રેલીઓ વગેરેનું ચોક્કસ વિડીયો રેકોર્ડીંગ થવું જોઈએ અને આઈ.બી. દ્વારા આવા કાર્યક્રમોમાં વોચ રાખવી જોઈએ. પોલીસ દ્વારા ધર્મ અને જાતિના ભેદભાવ વગર ષડયંત્રકારીઓની ધરપકડ થાય, સાચા ગુનેગારો સામે કડક પગલાં લેવાય અને ઘટનાસ્‍થળે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી નિષ્‍પક્ષ કાર્યવાહી થવી જોઈએ. ખંભાતના સક્કરપુરા વિસ્‍તારમાં કાનુની પ્રક્રિયા કર્યા વગર ફક્‍ત આરોપો અને મીડીયા ટ્રાયલના આધારે તંત્ર દ્વારા પતરાના કેબિન સહિતની દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દૂર કરવાની થયેલ પ્રક્રિયા સંપૂર્ણ અસંવૈધાનિક છે. ગેરકાયદેસર બાંધકામ કે દબાણ દૂર કરવાના કિસ્‍સાઓમાં સરકારી તંત્ર દ્વારા મિલ્‍કત સંબંધિત વ્‍યક્‍તિને નોટીસ પાઠવી, કાયદેસરના પુરાવા રજૂ કરવાની તક આપવી ફરજિયાત છે. આરોપી કોર્ટ દ્વારા ગુનેગાર સાબિત થાય અને કોર્ટના આદેશથી ગુનેગારના બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવે તેનું સમર્થન કરી શકાય, પરંતુ કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર કોઈપણ પગલાં લેવા તે માનવીય અધિકારો તથા કાનુનનું ઉલ્લંઘન છે. તંત્રએ કોઈપણ પ્રક્રિયા કરતાં પહેલાં કાયદાની પ્રક્રિયાને અનુસરવું જોઈએ. રાજ્‍યમાં અશાંતિની ઘટનાઓ બને અને સરકાર ભીંસમાં આવતી હોય તેવા સમયે પોતાની નિષ્‍ફળતાને છુપાવવા માટે સરકાર દ્વારા મીડીયા ટ્રાયલના આધારે આવી ઘટનાઓનું સીધું વિદેશ સાથે કનેકશન બતાવી ધ્રુવીકરણની રાજનીતિ કરવામાં આવે છે. સરકારે પોતાની નિષ્‍ફળતાઓ છુપાવવાના બદલે રાજ્‍યમાં અશાંતિની ઘટનાઓ બને જ નહીં અને લોકોમાં સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ. રાજ્‍યમાં સાંપ્રદાયિક પરિસ્‍થિતિ ઉભી કરવાનો પ્રયત્‍ન થઈ રહ્‌યો છે ત્‍યારે રાજ્‍યમાં એકતા-અખંડિતતા, પ્રેમ-ભાઈચારો, શાંતિ-સલામતી જળવાઈ રહે તે માટે (૧) રાજ્‍યમાં નફરત ફેલાવતાં અને રાજ્‍યની શાંતિ-સલામતીને છિન્‍ન-ભિન્‍ન કરનારા ષડયંત્રકારીઓને ધર્મ-જાતિના ભેદભાવ વગર તાત્‍કાલિક જેર કરી તેમની સામે પગલાં લેવા, (૨) ભડકાઉ ભાષણો તથા સોશ્‍યલ મીડીયા થકી શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળનાર તત્ત્વો સામે સરકાર દ્વારા સીધી ફરિયાદ દાખલ કરવા, (૩) પોલીસ દ્વારા થતી નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહીમાં થતો રાજકીય હસ્‍તક્ષેપ અટકાવવા તેમજ (૪) નિષ્પક્ષ કાર્યવાહી ન કરનાર અમલદારો સામે શિક્ષાત્‍મક પગલાં લઈને ન્‍યાયિક પ્રક્રિયા અનુસાર કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

આ તમામ બાબતો માનનીય મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીના ધ્‍યાને મૂકવા અને રાજ્‍યમાં અશાંતિની ઘટનાઓ ન બને અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તેઓશ્રી દ્વારા રાજ્‍ય સરકારને યોગ્‍ય નિર્દેશ થાય તેવી ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here