(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૧૧
આજે અમદાવાદના જાણીતા પેપર ફ્યુસન રેસ્ટોરન્ટ ખાતે કલાકારો દ્વારા મીડિયા સમક્ષ ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું.
ગુજરાતી ફિલ્મોની હારમાળ સર્જતાં નિર્માતા દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટકની આગામી ગુજરાતી ફિલ્મ “ગુમ” ગુજરાતી દર્શકોને તેની વાર્તા, સંગીત અને સસ્પેન્સ સાથે ખુબ ગમશે.
અખિલ કોટક તેમની દરેક ગુજરાતી ફિલ્મોનો શ્રેય તેમની ટીમને આપે છે અને તેઓ ટીમને એક પરિવારની જેમ જ માને છે એટલે જ તેઓ એક પર એક ગુજરાતી ફિલ્મો બનાવીને રિલીઝ કરવામાં સફળ થઇ રહ્યા છે. 2019થી “નક્કામા” નામની ગુજરાતી ફિલ્મથી શરૂવાત કરીને 2જી એપાર્ટમેન્ટ, નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવનાર ફિલ્મ “લવ યુ પપ્પા”, રુદન જેવી સફળ ફિલ્મો દ્વારા તેઓ દર્શકોને મંત્રમુગ્ધ કરી ચુક્યા છે.
આગામી 22 સપ્ટેમ્બરના રોજ સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ “ગુમ” સાથે તેઓ આવી રહ્યા છે જેમાં રહસ્યો સાથે સંગીત અને ડાન્સથી ભરપૂર ગીતો પણ અત્યારે અલગ અલગ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે.
આ એક એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં ગુજરાતી ગીતોનો વધુ પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંગે ફિલ્મના અભિનેતા દિગ્દર્શક અખિલ કોટક જણાવે છે કે, હિન્દી કે અન્ય કોઈપણ ભાષાની સસ્પેન્સ ફિલ્મમાં ક્યારેય ગીતો સાંભળવા જોવા મળતા નથી હોતા અને સાથે જ આ ફિલ્મમાં એક અલગ જ પ્રકારનું બેકગ્રાઉન્ડ સંગીત પણ આપવામાં આવ્યું છે જે સાંભળી દર્શકોને કંઈક નવો જ અનુભવ થશે.
ફિલ્મના ગીત અને સંગીત ફિલ્મની વાર્તાને એક નવા જ પડાવ પર લઇ જાય છે. આ ફિલ્મ એક પરિણીત 35થી વધુ વયના પતિ પત્નીની છે જેમાં પતિ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને ક્યાંય અલગ જ દુનિયામાં ગુમ રહે છે અને ત્યારબાદ અલગ અલગ ઘટનાઓ તેના જીવનમાં પસાર થાય છે.
આ ફિલ્મના નિર્માતા કચ્છ ટોકીઝ નારશી દેવશી માંજલ રેલડીયા કચ્છ છે. જેમનું દિગ્દર્શન અખિલ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્ય કલાકારોમાં અખિલ કોટક, રાહી રાઠોર અને રોહિત નિહલાની છે. ડીઓપી પુષ્પરાજ ગુંજન છે અને જેની વાર્તા તથા ડાયલોગ આસિફ અજમેરી અને વિનોદ પરમાર દ્વારા લખવામાં આવી છે. નરેશ પરમાર દ્વારા એડિટ કરવામાં આવેલ આ ફિલ્મના લાઈન પ્રોડ્યુસર પ્રતીક વડગામા છે. પ્રોડક્શન હેડ કોમલ દેસાઈ અને આ ફિલ્મના સુંદર ગીતોનું સંગીત નીરજ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું છે. જેના શબ્દો ડો નીરજ મેહતા દ્વારા લખવામાં આવ્યા છે.

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી અને ગાયિકા કશિશ રાઠોર અને નીરજ વ્યાસ દ્વારા આ ફિલ્મના ગીતોને કંઠ આપવામાં આવ્યો છે. રૂપમ એન્ટરટેઇન્મેન્ટ વંદન શાહ દ્વારા આ ફિલ્મને ગુજરાતના અલગ અલગ સિનેમાઘરો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
નવી સસ્પેન્સ ગુજરાતી થ્રિલર ફિલ્મ “ગુમ” તા. 22મી એ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે અને કલાકારો તથા નિર્માતા દિગ્દર્શક દ્વારા આ ફિલ્મ દર્શકોને જરૂર ગમશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Photography by Jayesh Vora