“હેલ્લારો” અને “21મું ટિફિન” ફેમ નીલમ પંચાલ અભિનીત ગીત

અખિલ કોટક, હર્ષલ માંકડ પણ કરી રહ્યા છે અભિનય

મોરલીના સુર જ્યાં રેલાઈ, રૂડા ખોરડે શુભ લાભ ચિતરાય, શહેરને પણ જ્યાં પોરો ખાવાનું મન થાય એવા આંગણે “હાલોને મારા ગામડે”…

ગુજરાતના જાણીતા સ્વરકાર અને ગાયક મયુર ચૌહાણના સ્વરમાં ખુબજ સુંદર અભિનયના સથવારે તૈયાર કરવામાં આવેલ ગીત છે. આ ગીત બનાવીને તેનું ચિત્રાંકન તૈયાર કરવામાં પણ ખૂબ મહેનત કરવામાં આવી છે અને જે આ ગીતમાં આપ જોઈ શકશો.

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં રહીને ગુજરાતથી માંડીને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના હૃદયની વાત અને પોતાના ગામ-ગામડાંની એક અદભૂત વાત લઈને મયુર ચૌહાણ મનોરંજનનું એક ભાથું પીરસવા તૈયાર છે.

વિશ્વમાં કોઈપણ જગ્યાએ વસવાટ કરતાં ગુજરાતીઓ પણ પોતાના ગામડામાં આવવા અને રહેવાની કલ્પના કરતા હોય છે અને જ્યારે સમય મળે ત્યારે પોતાના દેશમાં રહેવાની અને તેને માણવાની અપેક્ષાઓ પુરી કરતા હોય છે. દેશની બહાર વસતાં ગુજરાતીઓ પણ પોતાના દેશને યાદ કરતા હોય છે ત્યારે તેવા ગુજરાતીઓ માટે અને સાથે જ આજના યુવા વર્ગમાં પણ પોતાના ગામ અને દેશ પ્રત્યે આદર અને પ્રેમ વરસતો રહે તે માટે દરેકે આ ગીત જોવું પડે.

“હાલોને મારા ગામડે” આ શબ્દોથી જ એક પોતીકાપણુ અને પોતાના ગામની માટીનો એહસાસ થાય છે અને એક એક શબ્દે “માં”ની મમતા, પત્નીનો પ્રેમ, વડીલોના આશીર્વાદ અને બાળકોનો સ્નેહ પ્રાપ્ત થાય છે.

મયુર ચૌહાણના આ ગીતમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી અને હાલમાં જ જેમને નેશનલ એવોર્ડ મળ્યો છે તેવા હેલ્લારો ફિલ્મના અભિનેત્રી નીલમ પંચાલ, અભિનેતા તરીકે અખિલ કોટક અને હર્ષલ માંકડ પણ મુખ્ય કિરદારો નિભાવી રહ્યા છે. ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ સાસણગીર અને બીલખા જેવા ગામમાં આ ગીતનું ખૂબ જ સુંદર રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ સુંદર ગીતને નારસિંહ ખેર દ્વારા શબ્દોથી મઢવામાં આવ્યું છે અને સુંદર અવાજના માલિક મયુર ચૌહાણના સ્વરમાં સ્ટુડિયો એકતારો ખાતે રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે જ્યારે આ ગીતનું સુંદર સંગીત હેમાંગ સોલંકીએ આપ્યું છે.

“હાલોને મારા ગામડે” આ ગીતના શબ્દોમાં આવે છે કે વૈકુંઠનો ભગવાન પણ ગામડિયો થઈ જાય છે તેવી સુંદર કલ્પના વાળું આ ગીત તમને જરૂર તમારા ગામડાની યાદ અપાવશે. તો આ ગીત જરૂરથી નિહાળો અને તમારા ગામડાની કલ્પનામાં ખોવાઈ જાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here