કોરોના થશે તેનો ભય અને ડિપ્રેશનથી માનસિક રોગનું પ્રમાણ ૩૦%એ પહોંચ્યું

0

તા.૮
‘સાહેબ મારી સાવ બાજુના જ દ્યરમાં કોરોનાના દર્દી આવ્યા છે. હવે મને પણ કોરોના તો નહીં થાય ને…?’ ‘રાતના ખરાબ વિચારો એ હદે દ્યેરી વળે છે કે ઉંઘ જ આવતી નથી….સતત બેચેની અનુભવું છું…’ છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસના કેસમાં વધારો થતાંની સાથે જ હવે માનસિક સમસ્યા ધરાવનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં જ માનસિક સારવાર માટે આવનારા દર્દીઓની સંખ્યામાં સામાન્ય દિવસ કરતાં ૩૦% જેટલો વધારો નોંધાયો છે.
કોરોનાની સેકન્ડ વેવમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે રહ્યું છે અને જેના કારણે એવા દર્દીઓ વિશેષ પ્રમાણમાં વધારે આવી રહ્યા છે જેઓ પોતાના સ્વજનને કોરોના મહામારીમાં ગુમાવી ચૂકયા છે. અમદાવાદની મેન્ટલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, ‘કોરોનાની ફર્સ્ટ વેવ વખતે અનેક લોકોમાં ચિંતા-ગભરાટ હતી અને જેમાં લોકો ઝડપથી નોર્મલ થવા લાગ્યા હતા. પરંતુ સેકન્ડ વેવમાં અનેક લોકો એવા છે જેઓ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. કોરોનાની ફર્સ્ટ વેવ દરમિયાન અમારે ત્યાં ઓપીડીમાં આવતા ૨૦૦થી ૨૫૦ દર્દીઓમાં ૩૦થી ૪૦ દર્દીઓ કોરોનાને લીધે માનસિક સમસ્યાનો સામનો કરનારા હતા. પરંતુ છેલ્લા એક મહિનાથી અમારે ત્યાં ઓપીડીમાં દરરોજ ૩૨૫-૩૫૦ દર્દી આવે છે અને તેમાંથી ૬૫-૭૦ માત્ર કોરોનાને લીધે માનસિક સમસ્યા ધરાવનારાના હોય છે. મોટાભાગના દર્દીઓ ડિપ્રેશન, એન્કઝાઇટી, ફોબિયા, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર, રાત્રે ઉંદ્ય ન આવવી જેવી સમસ્યા ધરાવતા હોય છે. કેટલાક દર્દી એવા પણ છે જેઓ પરિવારના સદસ્યનું અવસાન થઇ ગયું છે અને તેમની છેલ્લી દ્યડીમાં હાજર નહીં રહી શકવા તેમજ તેમની અંતિમ ક્રિયા ન કરી શકવા બદલ એક પ્રકારનો અપરાધભાવ અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં તેનું વર્તન બદલાવવા લાગે છે અને અચાનક જ તે અન્ય વ્યકિતની વધારે પડતી કાળજી રાખતો થઇ જાય છે.
યુવાન દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાને લીધે અનેક ટીનએજર્સ-યુવાનોના સ્વભાવમાં તોછડાપણું આવી જાય છે, તેઓ જક્કી વલણ ધરાવતા થઇ જાય છે. પ્રવર્તમાન સ્થિતિમાં સાવધાની રાખવી જરૂરી છે પણ તેનો ડર રાખ્યા વિના સામનો કરવો પડશે. કસરત-યોગ અને ધ્યાન કરવામાં આવે, સુપાચ્ય ખોરાક તેમજ પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ‘છેલ્લા લગભગ દોઢ વર્ષથી સ્કૂલ નહીં જઇ શકવા તેમજ બહાર મિત્રો સાથે નહીં રમવા જઇ શકવાને કારણે અનેક બાળકોમાં પણ ચિડિયાપણું આવી ગયું છે અને તેઓ નાની-નાની વાતમાં ગુસ્સે થવા લાગે છે. જાણકારોના મતે આવી સ્થિતિમાં બાળકોને સતત વ્યસ્ત રાખવામાં આવે, તેમની પાસે યોગાસનની ટેવ કેળવાય, સારા પુસ્તકો વંચાવવાથી ઘણા લાભ થઇ શકે છે. કોરોનાથી આવી જ સ્થિતિ રહેશે તો મારા ભવિષ્યનું શું તેવા વિચારથી ટીનેજર્સમાં ડિપ્રેશનના કેસમાં પણ વધારો થયો છે. જાણકારોના મતે પ્રવર્તમાન સ્થિતિમાં પ્રત્યેક વ્યકિત માટે વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવું જરૂરી છે, લોકોએ નાની-નાની વાતમાંથી હકારાત્મકતા શોધવી પડશે. આ સમય પણ વીતી જશે તે ભૂલવું જાેઇએ નહીં. કપરા સમય સામે હકારાત્મક મિજાજ જ મોટું શસ્ત્ર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here