ન્યુ દિલ્હી
દેશમાં કોરોના વાયરસ મહામારીએ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને અર્થતંત્ર માટે પણ હવે ફરીથી પડકારજનક દિવસો શરૂ થઈ રહ્યા છે અને બેરોજગારી દેશમાં ફરીથી ઉંચી સપાટી તરફ આગળ વધી રહી છે અને તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય છે.
છેલ્લા અહેવાલ મુજબ દેશમાં શહેરી બેરોજગારીનો દર ફરી દસ ટકા સુધી પહોંચી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે. કોરોના વાયરસ મહામારી એ બીજી લહેરમાં વધુ ઘાતકી હુમલો કર્યો છે ત્યારે અનેક રાજ્યોમાં લોકડાઉન અને નાઈટ કફ્ર્યુ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ધંધા-રોજગાર ફરીથી ભાંગી રહ્યા છે.
એ જ રીતે દેશમાં નોકરીઓની બાબતમાં પણ ચિંતાજનક દિવસો શરૂ થયા છે અને કેટલાક લોકોની નોકરીઓ ફરીથી ખતરામાં મુકાઈ ગઈ છે અથવા તો ઘણા બધાની નોકરી ચાલી ગઈ છે. “સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી”ના આંકડા બતાવે છે કે ૧૧મી એપ્રિલે સમાપ્ત થતા સપ્તાહમાં શહેરી બેરોજગારીનો દર ૧૦ ટકાની નજીક પહોંચી ચૂક્યો છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ આર્થિક સુધારાની રફતાર ફરીથી ધીમી પડી ગઈ છે. તે જ રીતે રાષ્ટ્રીય બેરોજગારી વધીને ૮.૫૮ ટકા પર પહોંચી ગઈ છે જે ૨૮ માર્ચના પૂરા થતાં સપ્તાહમાં ૬.૬૫ ટકા હતી. એ જ રીતે ગ્રામીણ બેરોજગારી દર ૬.૧૮ ટકાથી વધીને ૮ ટકા પર પહોંચી ગઇ છે.
સાથોસાથ એવી ચિંતા જનક આગાહી પણ કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાંથી પરપ્રાંતિય મજૂરોએ હજારોની સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે અને તેના કારણે સ્થિતિ વધુ બગડવાનો ખતરો છે. દેશમાં ઉત્પાદનની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે અને જાે મજૂરોનો પ્રવાહ આ રીતે જ પોતાના વતન તરફ યથાવત રહેશે તો ઉત્પાદનમાં હજુ પણ મોટો ઘટાડો થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here