ઉત્તરાયણ અને પતંગ સાથે સંકળાયેલો રસપ્રદ ઇતિહાસ

0

(અબરાર એહમદ અલ્વી)

અમદાવાદ,

14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળશે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઊજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો છે. ઉત્તરાયણ કે પતંગનો કોઈ ધર્મ નથી. આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી.

ઉત્તરાયણનો પર્યાય એટલે પતંગ…

ગુજરાત અને ભારતના ઘણા વિસ્તારોમાં તો આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઊજવે છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થયેલી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતા.

ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર, આપણા તહેવારો મોટા ભાગે ધર્મ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ પતંગનો એક જ એવો તહેવાર છે કે જેમાં ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાવવામાં આવે છે અને તેની પાછળ અનેક માન્‍યતાઓ જોડાયેલી છે. જેના વિશે આપણે વધુમાં જાણીએ.

પતંગનો ઇતિહાસ –

સૌપ્રથમ પતંગ કયા દેશમાં બની હતી ? તે બાબતથી તમે અપરિચિત હશો, ખરું ને ? પરંતુ કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં ચીનના ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ન જાય તે માટે હેટને પતંગ બાંધી રાખી હતી. ચાઈનીઝ જનરલ હુઆન થેંગ હુએ સૈન્‍યની વ્‍યૂહરચના બનાવીને અંતરનો અંદાજો મેળવીને પોતાના સૈન્‍યને શહેરની અંદર પ્રવેશ કરાવીને જીત મેળવી હતી.

ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્‍યા. સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તેઓ પતંગનો ઉપયોગ શેતાની શક્‍તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં. એ સમયગાળા દરમિયાન જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી.

ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500માં મોગલ કાળના એક ચિત્રમાં મળ્‍યો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્‍યો છે.

માઈક્રોનેશિયાના લોકો પાંદડાંની પતંગનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં.

પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્‍યને પતંગનો ખ્‍યાલ આપ્‍યો હતો.

13મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી. 16મી અને 17મી સદીમાં જહાજના સહેલાણીઓ જાપાન અને મલેશિયાથી પતંગો લાવ્‍યા. યુરોપિયન સંસ્‍કૃતિમાં પતંગે કુતૂહલ જગાવ્‍યું હતું. 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે થવા લાગ્‍યો.

બેન્‍જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્‍ડર વિલ્‍સે પવન અને હવામાનની વધુ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્‍યોર્જ કેલી, સેમ્‍યુઅલ લેન્‍ગલી, લોરેન્‍સ હારગ્રેવ, અલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્‍લેનના વિકાસમાં ફાળો આપ્‍યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્‍સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્‍મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્‍લેનમાંથી તાત્‍કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્‍ય ઉપયોગો શોધ્‍યા. હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્‍લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવ્‍યા. દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્‍સને ગર્લ બોક્‍સ પતંગ દ્વારા પોતાની ભાળ આપી હતી. પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્‍ટને ઓળખી શકાતા હતા.

વૈજ્ઞાનિકસંશોધનો અને શોધોને કારણે હવે મિલિટરીમાં પતંગોનો ઉપયોગ ઘટયો છે. 50 વર્ષ પહેલાં જોવા મળતી પતંગોમાં નવા મટીરિયલ્‍સનો પ્રયોગ કરીને તેને નવું રૃપ આપવામાં આવ્‍યું. નાયલોન, ફાઈબર ગ્‍લાસ, કાર્બન પેપરનો પ્રયોગ કરીને તેને કલરફુલ બનાવવામાં આવી.

પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્‍યતા એવી છે કે, પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમ લુકમાન હતા. ઇસવીસનના આરંભના અરસામાં ચીનના હળવંશી સમ્રાટના રાજ્‍ય પર જંગલી મોગલો ચડી આવ્‍યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્‍યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્‍યમય અવાજથી જંગલી દુશ્‍મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here