દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર “ઈદ-ઉલ-ફિત્ર” કે ઈદ છે. ઈસ્લામિક કેલેન્ડરમાં નવમો મહિનો રમઝાન પૂરો થતા અને દસમાં મહિનાની સવાર થયા પછી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રમઝાન વર્ષનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેમાં મુસ્લિમો વહેલી સવારથી સાંજ સુધી ઉપવાસ (રોઝા) કરે છે. દાન અને સામાજિક કાર્યો કરે છે અલ્લાહની બંદગી કરે છે.

ઈદનો તહેવાર ભાઈચારાનુ પ્રતીક છે.

“ઇદ ઉલ-ફિત્ર” મુસ્લિમોનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર વિશ્વવ્યાપી ઇસ્લામ સમુદાય દ્વારા ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વિશેષ પ્રસંગે મસ્જિદો સજાવવામાં આવે છે, લોકો નવા કપડા પહેરે છે, ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ સાથે, ઘરના નાના બાળકોને ઇદી આપવામાં આવે છે, જ્યારે વડીલો એકબીજાને ભેટીને આ દિવસે અભિનંદન આપે છે. રમઝાન મહિનામાં લોકો 30 દિવસ ઉપવાસ (રોઝા) કર્યા બાદ ઈદની ઉજવણી કરે છે. ઇદનો દિવસ ચંદ્ર જોયા પછી જ નક્કી થાય છે.

કઈ તારીખે મનાવાય છે ઈદ

ઈસ્લામિક કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. આ વર્ષે ઈદ મંગળવાર (૩ મે)ના રોજ ઉજવવામાં આવશે કારણ કે, ગઈ કાલે અર્ધચંદ્રાકાર જોવા મળ્યો નહોતો. ઈસ્લામિક કેલેન્ડર સૂર્યને બદલે ચંદ્રને અનુસરે છે જેથી ચંદ્રનુ નિરીક્ષણ કરવુ મહત્વનુ છે.

શું છે ઈદનુ મહત્વ

“ઈદ-ઉલ-ફિત્ર” એ રમઝાનના આધ્યાત્મિક મહિના પછીની ઉજવણીનો દિવસ છે જેમાં મુસ્લિમ સમુદાય રોજા અને સારા કાર્યો દ્વારા અલ્લાહની નજીક જવાનો પ્રયાસ કરે છે. તે એક એવો દિવસ છે જેમાં મુસ્લિમો રમઝાનના પવિત્ર મહિના અને તેના તમામ આશીર્વાદો આપવા બદલ આભારી છે. તેઓ આખુ વર્ષ તેમની ધર્મનિષ્ઠામાં વધારો થાય તે માટે અલ્લાહને પ્રાર્થના કરે છે. ઈદના દિવસે તમે રોજો ન રાખી શકો કારણકે એ ઉજવણીનો દિવસ છે.

કેવી રીતે થાય છે ઈદની ઉજવણી

વિશ્વભરના મુસ્લિમ લોકો સવારે ઈદની ખાસ નમાઝ મસ્જિદમાં અને ઇદગાહમાં અદા કરે છે. લોકો નવા કપડા પહેરે છે અને પરિવારના મોટા સભ્યો નાના બાળકો અને નાના સભ્યોને ઈદી અથવા ઈદની ભેટ આપે છે. ઈદ પર સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવામાં આવે છે. ભારતમાં ઈદના દિવસે સેવૈયાનો શીરખુર્મો (દૂધ અને ડ્રાયફ્રુટની એક વાનગી) બનાવવામાં આવે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ઈદના દિવસે બનાવવામાં આવે છે. લોકો એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે.

ઈદ માણસોમાં ખુશી લાવે છે ઈદ મનુષ્યમાં અંતર કાઢી નાખે છે ઈદ અલ્લાહનો એક અનોખો વર્ગ છે અને આપણે “ઈદ મુબારક” કહીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here