આરોપી અઝહર કીટલી ગેંગ વિરૂદ્ધ “ગુજસીટોક” ગુનો દાખલ

0


અમદાવાદ
જુહાપુરામાં લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. પોલીસ ગિરફ્તારીમાં રહેલો રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી છે. ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. તેની ગુજસીટોક હેઠળ ગુનામાં ધરપકડ કરી છે. કીટલી ગેંગનો મુખ્ય આરોપી અઝહર કીટલી તેનો ભાઈ સરફરાજ કીટલી, ઉસ્માનખાન ઉર્ફે શાહરૂખ પઠાણ, ફૈઝાન ઉર્ફે બાદશાહ કુરેશી, અબ્દુલ વહાબ શેખ અને અઝરૂદીન ઉર્ફે કબૂતર શેખ નામના કુલ 6 આરોપી છે. આ આરોપી ભેગા મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં લૂંટ, ધાક ધમકી આપવી, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી, મારામારી તથા આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી આપવી, સરકારી મિલકત નુકશાન પહોંચાડવું અને ગેરકાયદે ગેંગ રચી ગુનાહિત પ્રવૃતિ અંજામ આપતા હતાં.


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અઝહર ઉર્ફે કીટલીને ભરૂચ ખાતેથી ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી હતી. જેમાં આરોપી અઝહર કીટલીએ સાતેંજ નજીક 1.5 કરોડની લૂંટ કરી હતી. જો કે, આરોપી અઝહર કીટલી વિરૂદ્ધ 18થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે, ત્યારે કીટલી ગેંગ સાગરીતો ભેગા મળી અસંખ્ય ગુનાને અંજામ આપ્યા છે. કીટલી ગેંગના સાગરીતો દ્વારા સામાન્ય પ્રજા સાથે થતી ગુંડાગીરી અને આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા ગુજસીટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કીટલી ગેંગના સાગરીતોએ થોડા સમયમાં 60થી વધુ ગંભીર પ્રકારના ગુના કર્યા છે. જેમાં આરોપી અબ્દુલ વહાબ અને અઝરૂદિન ઉર્ફે કબૂતર શેખ અલગ-અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે, જેને પોલીસે પકડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here