(અબરાર એહમદ અલવી)

આધાર કાર્ડ હવે લગભગ બધી જગ્યાએ ફરજિયાત ડોક્યુમેન્ટ થઈ ગયું છે. ખાસ કરીને સરકારની દરેક યોજનાઓ સાથે આધાર કાર્ડને જોડી દેવાયું છે. આધાર કાર્ડની જ્યારે શરૂઆત થઈ ત્યારે તો ઘણી સહેલાઈથી નીકળી જતું હતું પણ હવે, આધાર કાર્ડ કઢાવવું હોય કે તેમાં સુધારો કરાવો હોય તો ખુબ જ મુશ્કેલ કામ બન્યું છે. સાત કોઠા ભેદવા જેવું કપરું કામ થઈ ગયું છે. પહેલા તો આધાર કાર્ડ માટે ઠેર-ઠેર સેન્ટરો હતા. પણ, હવે સેન્ટરો મર્યાદિત થઈ ગયા છે અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ પ્રાઈવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દીધા છે. હવે ચોક્કસ જગ્યાઓ પરથી જ આધાર કાર્ડ નીકળે છે. કેટલીક બેંકોમાં પણ આધાર કાર્ડ કાઢી આપવા માટે સેન્ટર ફાળવાયા છે. તેમાંય પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર કાર્ડ બનાવવું હોય તો લિમિટેડ સેન્ટરો પર જ નીકળે છે. આધાર કાર્ડમાં નામ સુધારવો હોય કે કોઇ ફેરફાર કરવો હોય તો પણ આધાર સેન્ટરના ધક્કા ખાવા પડે છે. જ્યારે આધાર સેન્ટરો પર પહોંચો ત્યારે ટોકન પુરી થઇ ગઇ હોવાનું કારણ આગળ ધરવામાં આવે છે. બીજા દિવસે આવજો તેવું જણાવવામાં આવે છે જ્યારે બીજા દિવસે આધાર સેંન્ટર પર જાઓ તો સર્વર ખરાબ છે તેમ કહીને ફરી ધક્કા ખાવાની ફરજ પાડવામાં આવે છે.

આવી સ્થિતીમાં સીનીયર સીટીઝનોની કપરી સ્થિતી થાય છે અને દયા આવે તેવા દ્રષ્યો આધાર સેન્ટર પર સર્જાય છે. આ સ્થિતિનો કેટલાક લોકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે UIDAIએ ફાળવેલા સેન્ટરો પર સરકારી ભાવે એટલે કે 30 રૂપિયાની ફી ચૂકવીને તમારૂ આધાર કાર્ડ નીકળે છે. પણ, આ સેન્ટરો પર રોજ 30થી 35 લોકોને જ આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે. એટલે કે, તમારે જો આધાર કાર્ડ બનાવવાનું હોય તો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી જવું પડે અને તમારું નસીબ સારું હોય તો પહેલા 35માં તમારો નંબર આવી જાય, નહીં તો બીજા દિવસે આવીને ફરી લાઈનમાં ઊભા રહેવાનું. કેમ કે, બીજા દિવસના ટોકન અગાઉથી અપાતા નથી. વળી, જે 35 લોકોનો નંબર લાગે તેમને ટોકન આપવામાં આવે અને તેમને સમય કહી દેવામાં આવે તે સમયે તેમણે આધાર કાર્ડ બનાવવા આવી જવાનું. આમ, તમે વહેલી સવારથી લાઈનમાં ઊભા હોવ તો પણ એવું બને કે આધાર કાર્ડ બનાવવા માટે તમારો નંબર બપોર પછી આવે છે. પહેલા તો નામમાં ભૂલ હોય કે સરનામામાં ભૂલ હોય તો UIDAIની વેબસાઈટ પર જઈ ઓનલાઈન સુધારો કરી શકાતો હતો. પણ, હવે આ સુવિધા પણ બંધ કરી દેવાઈ છે. એટલે નાના-મોટા કોઈપણ સુધારા માટે તમારે આધાર સેન્ટર જ જવું પડે છે. તેના માટે પણ કેટલાક સેન્ટરો મનફાવે તેવા રૂપિયા પડાવે છે.

આધાર કાર્ડ આજે એક ખૂબ જરૂરી દસ્તાવેજ થઈ ગયું છે, ત્યારે લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી નાની-નાની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તે જરૂરી છે. પણ, આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે? તેના માટે સૌથી પહેલા તો ઓનલાઈન અપોઈન્ટમેન્ટ આપવાનું શરૂ કરવું જોઈએ. પાંચ વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ માટે જે-તે સ્કૂલમાં જ વ્યવસ્થા કરવી જોઈએ. કઈ સેવાની કેટલી ફી છે તે સમયાંતરે ટીવી-ન્યૂઝ પેપરમાં જાહેરાતો આપીને લોકોને જણાવતા રહેવું જોઈએ, જેથી લોકો લૂંટાતા બચે. જો, કોઈને આધાર સેન્ટર અંગે કોઈ ફરિયાદ કરવી હોય તો કોને કરવાની તેની માહિતી પણ જે-તે આધાર સેન્ટર પર ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો, UIDAI આવા નાના-નાના પગલાં લેશે તો પણ લોકોને ઘણી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here