રાજકોટમાં આશરે ૩ લાખથી વધુ શ્રમિકોએ નોંધણી કરાવી આગવી ઓળખ ધરાવતું કાર્ડ મેળવ્યું

*રાજકોટ તા. ૨૫ એપ્રિલ*

રાજય સરકાર અસંગઠિત અને નાના પાયાનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા માનવીના વિકાસ માટે સતત કાર્યરત રહી છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા આવા તમામ નાના વ્યવસાયકારોને સંગઠિત કરી તેઓનાં કલ્યાણ માટે અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો મળવાપાત્ર લાભ તેઓ સરળતાથી મેળવી અને પોતાનાં આર્થિક ઉપાર્જનનાં હેતુમાં વધુને વધુ સફળ બની શકે તે અર્થે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યા. જેનો રાજકોટમાં કુલ ૩,૬૦,૦૦૦થી પણ વધારે શ્રમિકોએ નોંધણી કરાવી છે.

આ કાર્ડ અસંગઠિત શ્રમયોગી કામદારોને નોંધણી કરાવ્યા અંગેના પુરાવાની સાથે અને તેના ભાગ રૂપે યુનિક નંબર ધરાવતુ ઓળખપત્ર આપવામાં આવે છે. જેમાં નાના પાયાનાં ઉદ્યોગકારો જેવા કે, પશુ પાલકો, ખેતશ્રમિકો, આરોગ્ય સેવા આપનારાઓ, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજનના કામદારો, સફાઈ કર્મીઓ, કડીયા, લારી – ગલ્લા જેવા તમામ વ્યવસાયો સાથે જોડાયેલા શ્રમિયોગીઓનો સમાવેશ કરવામાં આવે છે.

ઈ-શ્રમ કાર્ડ મેળવવા ઈચ્છુકોની વય મર્યાદા ૧૬ થી ૬૦ વર્ષની હોવી જોઇએ. જે શ્રમિકો આવકવેરો ચૂકવતા ન હોય અને પી.એફ. હેઠળ આવતા ન હોય તેવા લોકો આ કાર્ડ માટે પાત્રતા ધરાવી શકે છે. આ કાર્ડ ધારકોને તેમનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા રૂ. ૨ લાખની સહાય મળવા પાત્ર છે. આંશિક વિકલાંગતા ધરાવતા શ્રમિકને રૂ. ૧ લાખ એક વર્ષ માટે મળવા પાત્ર છે. તદઉપરાંત મહામારીનાં સમયમાં કાર્ડ ધારકોને કેન્દ્ર અથવા રાજય સરકાર દ્વારા સહાય મળવામાં સરળતા રહે છે. શ્રમિકો કે જે આ કાર્ડ કઢાવવા ઈચ્છતા હોય, તેમણે મોબાઈલ પરથી www.esharm.gov.in પર અથવા કોમન સર્વિસ સેન્ટર પર કે ઈગ્રામ સેન્ટર જઈને આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર તથા બેન્ક પાસબુકની નકલ સાથે લઈ જઈ અરજી કરવાની રહેશે. તેમ શ્રમ અને રોજગાર વિભાગનાં ડે. લેબર કમિશ્નરશ્રી એમ.એન. ગામેતીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here