અમદાવાદ,તા.૮
રાજ્યમાં હાલમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. આ વખતનો કોરોનાનો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે, ત્યારે દર્દી અને તેમના પરિવારજનો સારવાર તેમજ અન્ય બાબતે તરફડિયા મારી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા આંશિક લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. જે ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને બે ટાઈમ જમવાનું ભેગું કરવામાં પણ મુશ્કેલી ઉભી કરી રહી છે. ત્યારે શહેરના હાઈ પ્રોફાઈલ સોસાયટીના યુવા પ્રોફેશનલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યા છે. જેઓ સવાર-સાંજ ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ જાતે તૈયાર કરવામાં મદદ કરે છે અને લોકો સુધી પહોંચાડવા જાય છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પાસે સવારે અને સાંજે શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં અને ઝુંપડપટ્ટી માટે ફૂડ પેકેટ તૈયાર થાય છે. જે માટે કોઈ રસોઈ કરવા વાળા પ્રોફેશનલ નહિ પણ ફાંકડું અંગ્રેજી બોલતા યુવક અને યુવતીઓ મદદ કરે છે. જેઓ તૈયાર ફૂડને પેકિંગ કરવાથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીનું કામ કરે છે.
આ યુવક અને યુવતીમાં હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતો કુશલ શાહ છે. જે ખૂબ જ જાણીતો યુવા વકીલ છે. તેની સાથે મોક્ષા શાહ અને યશ્ચિ પણ છે. જેમાં મોક્ષ પોતે ફેશન ડિઝાઈનર છે અને પોતાના કામ માટે ખૂબ જાણીતા છે. આ અંગે કુશલ શાહે દિવ્યભાસ્કરને જણાવ્યુ કે, “લોકોની મદદ કરીને ખૂબ જ આનંદ થાય છે. અમે જ્યારે ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈએ ત્યારે લોકોની તકલીફો સામે અમે કરેલું કામ સાવ મામુલી લાગે છે. હાલ અમે સવારે અને સાંજે ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ વહેંચીએ છીએ અને જેમાં મારા માતા-પિતા અને અન્ય મિત્રોનો પણ ખૂબ સહકાર છે”. આ અંગે મોક્ષાએ જણાવ્યું કે, “અમે ઝુંપડપટ્ટી અને હોસ્પિટલમાં ફૂડ પેકેટ પહોંચાડીએ છીએ અમારાથી બનતી તમામ મદદ કરીએ છીએ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here