અમદાવાદ,

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડોક્ટરે ઊંઘની ગોળી ગળી લીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જમાલપુરમાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા 42 વર્ષીય મહિલા ડોક્ટરને ત્યાં ઝઘડો કરવા આવેલા દર્દી અને તેમના પતિએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા તબીબે ઊંઘની ગોળીઓ ગળી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમાલપુરના ખુરશીદ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા 42 વર્ષીય શબાના આરિફભાઈ રોલવાનાલ તેમના વિસ્તારમાં દવાખાનું ધરાવી હોમિયોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે. આ દરમિયાન 16મી જૂનના રોજ પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે મુમતાઝબેન મહેબુબભાઈ મિર્જાજીવાળા આંવતા તેમને દવા આપી હતી. જો કે, બીજા દિવસે મહિલા દર્દી દવાખાને પરત આવ્યા હતા અને તેમને રિએક્શન આવ્યું હોવાથી ફરિયાદ કરતા ડો. શબાનાએ તેમને બીજી દવા આપી હતી. શનિવારે સાંજે મુમતાઝબેન તેમના પતિ સાથે ફરી ડો. શબાનાને ત્યાં આવ્યા હતા અને ‘તમે ડોક્ટર છો કે કોણ ? રિએક્શન મટતું જ નથી’ કહીને મહેબુબભાઈએ ડો. શબાનાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. જો કે, આ વાત લાગી આવતા ડો. શબાના ઘરે આવીને ઊંઘની ગોળીઓ ગળી લેતા બેભાન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ થતાં ડો. શબાનાને સારવાર માટે મીઠાખળી સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા.દર્દી મુમતાઝબેનના પતિ મહેબુબભાઈ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડો. શબાનાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here